લીમડી ખાતે ગ્રામસભા યોજાઈ : વિકાસ કાર્યો અને જનપ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા

ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાના અધ્યક્ષસ્થાને ગ્રામજનોની રજૂઆતો સાંભળી: અધિકારીઓએ પ્રશ્નોના નિરાકરણની આપી ખાતરી.

    લીમડી ગામે ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભૂરીયાના અધ્યક્ષસ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભામાં સરપંચ, તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, તાલુકા વિકાસ અધિકારી (TDO), વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

   ગ્રામસભા દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાએ ગામમાં આગામી સમયમાં હાથ ધરાનાર વિવિધ વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો તેમજ ગામના સર્વાંગી વિકાસ માટે થનારી કામગીરી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સભા દરમિયાન ગ્રામજનોએ રસ્તા, ગટર, પીવાના પાણી સહિતની સ્થાનિક સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓએ રજૂ થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જ‚રી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હતી.

કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા વિકાસનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગ્રામજનોએ ઉત્સાહભેર વૃક્ષારોપણમાં ભાગ લઈ પર્યાવરણ જાળવણી માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગ્રામસભાનું સમાપન આભારવિધિ સાથે કરવામાં આવ્યું હતું.