કાલોલના પોરવાડ ફળિયામાં જર્જરિત મકાન જોખમી બન્યુ : પાલિકાના આંખ આડા કાન

કાલોલ નગરના ૫ોરવાડ ફળિયામાં આવેલ એક વર્ષો જુનુ મકાન અત્યંત જર્જરિત અવસ્થામાં હોવાથી ગમે ત્યારે ધરાશાઈ થાય તેવી ભિતી સેવાઈ રહી છે. આ જોખમી મકાનની આસપાસ બાળકો રમે છે. તેમજ વાહનચાલકો વાહનો પાર્ક કરે છે. મકાન એટલુ ખખડધજ થઈ ગયુ છે કે, તેની ઈંટો અને પતરા અવાર નવાર નીચે પડતા હોવાથી માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓને ઈજાઓ પહોંચી રહી છે.

સ્થાનિક રહિશોએ આ અંગે એક વર્ષ પહેલા કાલોલ પાલિકામાં લેખિત અરજી આપીને રજુઆત કરી હતી. જોકે તંત્રની ઘોર બેદરકારીને કારણે એક વર્ષ ઉપરાંતનો સમય વિતી જવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહિ કરાતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. આગામી ચોમાસામાં જો આ મકાન તુટી પડશે અથવા તો કોઈ જાનહાનિ થશે તો તે અંગે જવાબદાર કોણ…?તેવા સવાલો ઉઠ્યા છે. ત્યારે રહિશોની માંગ છે કે, કોઈ મોટી દુર્ધટના અને હોનારત સર્જાય તે પહેલા જ પાલિકા તેમજ મકાન માલિક દ્વારા તાકિદે ઉતારી લેવામાં આવે તે જ‚રી બન્યુ છે.