ગોધરામાં ચાલુ વરસાદે ટ્રાન્સ્ફોર્મરમાંથી કરંટ ઉતરતા બે શ્ર્વાનના મોત

ગોધરામાં ફુંકાયેલા ૫વન અને અચાનક ચોમાસા જેવો માહોલ વચ્ચે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. ચાલુ વરસાદમાં ગોધરા બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનને જોડતા મુખ્ય માર્ગ પર કરંટ પ્રસર્યો હતો. જેમાં બે મુંગા ૫શુઓએ જીવ ગુમાવ્યા હતા. સ્થાનિકોની જાગૃતિથી મોટી માનવ હોનારત ટળી હતી.

ગોધરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ શ‚ થયો હતો. ત્યારે રેલ્વે સ્ટેશન રોડ પર પોલીસ ચોકી નં.-૬ પાસે મુકાયેલા અંદાજિત ૩ વીજ ટ્રાન્સ્ફોર્મરોમાં વરસાદના કારણે અચાનક શોર્ટસર્કિટ થયુ હતુ. રોડની આસપાસ કરંટ ફેલાયો હતો. ટ્રાન્સ્ફોર્મર નજીક બેઠેલા બે શ્ર્વાન આ કરંટની ઝપેટમાં આવતા જ ધટના સ્થળે મોત નીપજયાં હતા. બનાવથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. અને અફરાતફરી મચી હતી. શ્ર્વાનના મોત બાદ આસપાસના સ્થાનિક યુવાનો તાત્કાલિક એકશનમાં આવી વરસાદી પાણીમાં કરંટ હોવાની આશંકાએ યુવાનોએ રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોને બુમો પાડી રોકીને વાહનો ડાયવર્ટ કરાવ્યા હતા.બનાવ સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક રહિશોએ તુરંત જ એમજીવીસીએલ કચેરીના અધિકારીઓને ટેલીફોનીક સંપર્ક કરી તાત્કાલિક આ લાઈનનો વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો. ત્યારે વીજ પુરવઠો બંધ થતાં રાહદારીઓ અને રહિશોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.