બોડેલીમાં તા.૪ જુનથી ૬ જુન એમ ત્રણ દિવસ સુધી પાણીનો કાપ રહેવાનો હોવાથી બોડેલીના રહિશોને ભર ઉનાળે પાણીની મુશ્કેલી સહન કરવી પડશે.
વણીયાદ્રી પાસે પાણીનુ લો-લેવલ થતાં તાંદલજા ઉભા કરાયેલા વાસ્મો યોજના હેઠળના સંપમાં પાણી નહિ આવતા સમગ્ર બોડેલી અને અડધાં અલીખેરવા વિસ્તારને પાણી મળી શકશે નહિ. ત્યાં મેન્ટેનન્સ કરવાનુ હોવાથી ત્રણ દિવસ આખા બોડેલીમાં પાણી આવશે નહિ. ચાચક અને અલીપુરાની કેટલીક સોસાયટીઓમાં પાણી આવશે અને કેટલીક સોસાયટીઓમાં પાણી નહિ આવે. આ અંગે વોર્ડના ચુંટાયેલા કેટલાક સભ્યોએ પોતાના વિસ્તારને આ અંગે સોશીયલ મીડિયા દ્વારા જાણ કરી પાણીનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યુ છે. બોડેલીમાં થોડાક દિવસ અગાઉ પણ ત્રણ-ચાર દિવસ પાણી કેટલાક વિસ્તારમાં આવ્યુ ન હતુ. બોડેલી હવે પંચાયતમાંથી પાલિકા બન્યુ છે. ત્યારે ગ્રાન્ટ વધુ આવતી હોઈ પાણી માટે પ્રાથમિકતા આપવી જોઈએ. ઢોકલીયા વિસ્તારમાં પણ ત્રણેક મહિના અગાઉ પાણીની લાઈનના રિપેરીંગ વખતે લાઈન તુટી જતાં ધણા દિવસો સુધી પાણી આવ્યુ ન હતુ. ત્યાં હજુ પુરતી કામગીરી કરાઈ નથી. આડેધડ થયેલી કામગીરીથી પ્રજા નારાજ છે.