અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા એ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

મુંબઇ,અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન માત્ર ૧૧ વર્ષની છે પરંતુ તે પોતાની ક્યુટનેસથી લોકોના દિલ જીતી લે છે અને સમાચારોમાં રહે છે. તે ઘણીવાર તેની માતાનો હાથ પકડીને જોવામાં આવે છે, જેનાથી તે ખૂબ જ નાના બાળક જેવી લાગે છે, પરંતુ આરાધ્યાએ એક એવું કામ કર્યું છે, જેના કારણે તમે પણ કહેશો કે તે દિમાગની દૃષ્ટિએ બાળક નથી. તેણે દિલ્હી હાઈકોર્ટમાં ૨ યુટ્યુબ ચેનલ અને ૧ વેબસાઈટ ખોટા કન્ટેન્ટ સામે અરજી કરી છે.

જી હા! આરાધ્યા બચ્ચન એટલે કે સ્ટાર કપલ અભિષેક અને ઐશ્ર્વર્યાની પુત્રી વતી દિલ્હી હાઈકોર્ટમાં યુટ્યુબ ચેનલ વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર આજે એટલે કે ગુરુવારે ૨૦ એપ્રિલે સુનાવણી થવાની છે. હકીક્તમાં, આરાધ્યા બચ્ચન તરફથી કહેવામાં આવ્યું છે કે આ યુટ્યુબ ચેનલ પર તેના સ્વાસ્થ્યને લગતી કેટલીક ખોટી માહિતી સતત બતાવવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે આરાધ્યા બોલિવૂડ સ્ટાર કિડ્સમાં સૌથી લોકપ્રિય સ્ટાર કિડ છે. તેની કોઈપણ તસવીર સામે આવતાં જ વાયરલ થઈ જાય છે. તે નિયમિતપણે તેની માતા ઐશ્ર્વર્યા રાય બચ્ચન સાથે એરપોર્ટ પર જોવા મળે છે. આ દરમિયાન તે તેની માતાનો હાથ પકડી રાખે છે. આ અંગે ઐશ્ર્વર્યાને ઘણી વખત ટ્રોલ પણ કરવામાં આવી હતી. પરંતુ ઐશ્ર્વર્યાએ હંમેશા આવી બાબતોને નજરઅંદાજ કરી છે. તે જ સમયે, ૧૧ વર્ષની આરાધ્યા એ પ્રથમ વખત તેના વિશે ફેક ન્યૂઝ કહેનારાઓ સામે કાર્યવાહી કરી છે.

જણાવી દઈએ કે આરાધ્યા સ્ટાર કપલ અભિષેક બચ્ચન અને ઐશ્ર્વર્યા રાય બચ્ચનનું એકમાત્ર સંતાન છે. અભિષેક અને ઐશ્ર્વર્યાએ એક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ વર્ષ ૨૦૦૭માં લગ્ન કર્યા હતા. જે બાદ તેમની પુત્રી આરાધ્યાનો જન્મ ૧૬ નવેમ્બર ૨૦૧૧ના રોજ થયો હતો.