અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં અલવા પ્રાથમિક શાળા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે મહિલાના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ બાઈક અને ટ્રક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બાઈક પર સવાર મહિલાઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પ્રાથમિક માહિતી અનુસાર, બાયડ તરફથી આવી રહેલી આઇશરે બાઈકને જોરદૃાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર અંદૃાજિત ૪૦ વર્ષીય મહિલા ભાવનાબેન રમેશભાઈ પરમાર તથા સીતાબેન રમેશભાઈ પરમારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે વાત્રક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
એક જ ગામની બે મહિલાઓના અકાળે મોત થતા બિલવણીયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતના કારણે માર્ગ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં બાયડ પોલીસ તેમજ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદૃેહોને પોસ્ટમોર્ટમ માટે બાયડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.