બોડેલી નગરપાલિકા વિસ્તારનો કોઝ-વે તુટી જતાં બે વિભાગો વહેંચાયા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરપાલિકા વિસ્તારના રઝા નગર અને વર્ધમાન નગર આ બે ફળિયા કોતર ઉપર આવેલ કોઝ-વે છેલ્લા ચાર વર્ષથી તુટી જવાના કારણે બે ભાગમાં વહેંચાઈ ગયુ છે. લોકોને એક ફળિયમાંથી બીજા ફળિયામાં જવા માટે મુસીબત વેઠીને કોતરમાંથી પસાર થવુ પડે છે ત્યારે અહિંના લોકોની માંગ છે કે, અમને કોતર ઉપર કોઝ-વે અથવા તો નાનો પુલ બનાવી આપવામાં આવે તો અમને પડતી મુશ્કેલીઓનો અંત આવે.ચાર વર્ષથી રજુઆત કરીને થાકી ગયા છે પરંતુ કોઈ એમને જોવા માટે પણ આવતુ નથી.

બોડેલી નગરપાલિકાના ઢોકલીયા વિસ્તારનો એક નવો વિસ્તાર કે જયાંથી કુદરતી કાંસ પસાર થાય છે. વર્ષોથી પસાર થતી કાંસની સાફસફાઈ ન થતાં કાંસ ભરાઈ ગઈ છે. ગંદકી અને મચ્છરોના ઉપદ્રવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ જ વિસ્તારોમાં રહેતા લોકો ચોમાસાનુ પાણી આવે ત્યારે આ વિસ્તારના મકાનોમાં ધુસી જાય છે. લોકોને પોતાના ધરને છોડીને જવા મજબુર થવુ પડે છે. ૨૦૨૨માં પુર આવ્યુ હતુ. ત્યારે આ વિસ્તારના તમામ ધરો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. ઢોકલીયા વિસ્તારના રઝા નગર અને વર્ધમાન નગર કોતરના કારણે બે ભાગમાં વહેંચાઈ ગયુ છે. બે વિસ્તારના જોડતા માર્ગ ઉપર વર્ષો પહેલા નાળુ બનાવવામાં આવ્યુ હતુ. તેનાળુ પુરના કારણે તુટી ગયુ હતુ. આજે વર્ષો વિતી ગયા છે અને અવર જવર માટે રસ્તો રહ્યો નથી. એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવુ હોય તો કોતરના ગંદા પાણીમાં પથ્થરો પરથી પસાર થવુ પડે છે. જે જોખમી છે. બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.