મહીસાગર જીલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા સંતરામપુરના આંજણવા ગામે પ્રાકૃતિક ખેતી અંગે વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના આંજણવા ગામે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો, વૈજ્ઞાનિકો અને અધિકારીઓ વચ્ચે પ્રાકૃતિક ખેતી અંગે એક મહત્વપૂર્ણ વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ ખેડૂતોને નવીનતમ વૈજ્ઞાનિક સંશોધનો, નવી યોજનાઓ અને એડવાન્સ ટેકનોલોજી પહોંચાડવામાં હંમેશાં અગ્રેસર રહ્યો છે. વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતો જમીનની ફળદ્રુપતા જાળવી શકે અને પોતાનું તેમજ સમગ્ર જીવસૃષ્ટિનું આરોગ્ય સુરક્ષિત રાખી શકે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી, બાગાયત અને પશુપાલન ક્ષેત્રે નવીન સંશોધનો અને જાણકારી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.

આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરના વૈજ્ઞાનિક ડોક્ટર જયપાલસિંહ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જીલ્લામાંથી પધારેલા પ્રોજેક્ટ ડાયરેક્ટર , આત્મા, ખેતીવાડી ખાતાના અધિકારી, પશુપાલન ખાતાના અધિકારી તેમજ ગ્રામ પંચાયતના પ્રથમ નાગરિક એવા સરપંચએ પણ ખેડૂતોને ખેતી, પશુપાલન, બાગાયત અને પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર માહિતી આપીને માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. આ અધિકારીઓએ ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા સમયસર આયોજીત વિવિધ કાર્યક્રમોની જાણકારી આપી હતી, જેનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને પ્રેરિત કર્યા હતા.

આંજણવા તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ આ વાર્તાલાપ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે, તમામ ઉપસ્થિત ખેડૂતો દ્વારા સ્વદેશી ચીજવસ્તુના વપરાશ માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો, જે આત્મનિર્ભર ભારત તરફનું એક પગલું છે. આ સમગ્ર આયોજન આત્મા પ્રોજેક્ટ મહીસાગરની ખેડૂતલક્ષી પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને ખેતી ક્ષેત્રે ટેકનોલોજીના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન આપે છે.