
પંચમહાલ જિલ્લામાં ગુનાખોરી ડામવા અને કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસે ’ડ્રોન પેટ્રોલિંગ’નો નવતર પ્રારંભ કર્યો છે. રેન્જ આઈ.જી. આર.વી. અંસારી અને જિલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ આ અવકાશીય પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલથી દુર્ગમ વિસ્તારોમાં ગૌ તસ્કરી, પશુ ચોરી અને ગેરકાયદે વાવેતર જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાશે.
પોલીસ માટે અંતરિયાળ ગામડાઓ અને કોતરો જેવા દુર્ગમ વિસ્તારોમાં વાહન કે જવાનો દ્વારા ઝડપથી પહોંચવું મુશ્કેલ બને છે. આવા સંજોગોમાં ગુનેગારોને છુપાવવા માટે સરળતા રહે છે. આ પડકારનો સામનો કરવા પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. હવે જે સ્થળોએ વાહન પહોંચી શકતું નથી, ત્યાં ડ્રોન દ્વારા આકાશમાંથી લાઈવ સર્વેલન્સ કરવામાં આવશે.આ નવતર પ્રયોગ પંચમહાલના ગામડાઓમાં પશુ ચોરી અને ગૌ તસ્કરી જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવામાં અત્યંત ઉપયોગી થશે. રાત્રિના સમયે કે નિર્જન વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ પર ડ્રોન કેમેરાથી નજર રાખી શકાશે, જેનાથી ગૌ વંશની ચોરી અને હેરાફેરી પર અંકુશ આવશે.ડ્રોન પેટ્રોલિંગનો અન્ય એક મોટો ફાયદો એ છે કે મોટા ખેતરોમાં પોલીસ માટે અંદર જઈને તપાસ કરવી મુશ્કેલ હોય છે. હવે ડ્રોનની મદદથી ખેતરોમાં ગેરકાયદે ગાંજા કે અન્ય નશીલા પદાર્થોનું વાવેતર થયું છે કે કેમ, તે બહાર ઉભા રહીને જ આકાશમાંથી સ્પષ્ટપણે જોઈ શકાશે.આ સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતા ડ્રોનની વિશેષતા એ છે કે તે જે લોકેશન પરથી ઉડાડવામાં આવે છે, ત્યાં જ ચોકસાઈપૂર્વક પરત ફરે છે. જિલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાતે જાતે ડ્રોન સર્વેલન્સનું નિરીક્ષણ કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે આ પ્રોજેક્ટથી જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ ઘટશે.