પંચમહાલ જિલ્લામાં પાક નુકસાનીના સર્વેમાં 42 હજાર ખેડુતો અને સહાયના ફોર્મ 60 હજાર

પંચમહાલમાં કમોસમી વરસાદથી જિલ્લાના 42 હજાર ખેડુતોને 17,850 હેકટરમાં પાકને નુકસાન થયુ હતુ. સહાય માટે અત્યાર સુધી 60 હજાર ખેડુતોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ સર્વે થયેલ 42 હજાર ખેડુતોને જ સહાયની રકમ આજથી મળવાનુ શરૂ થશે. પરિણામે 18 હજારથી વધુ ખેડુતોને વંચિત રહેવાનો વારો આવશે.

પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદથી નુકસાનીનો સર્વે 135 ટીમો દ્વારા કરવામાં આવ્યો હતો. સર્વે મુજબ જિલ્લામાં 33 ટકા વધુ નુકસાન થયુ હોય તેવા 42 હજાર ખેડુતોની 17,850 હેકટરમાં નુકસાન થયુ હતુ. સરકાર એક હેકટર દીઠ રૂ.22હજારની સહાય લેખે 17,850 હેકટર મુજબ 39.27 કરોડની સહાય મળવાપાત્ર છે. અત્યાર સુધીમાં 60 હજાર ખેડુતોએ સહાયના ફોર્મ ભર્યા છે. સરકારે સહાયના ફોર્મ ભરવાની તારીખ લંબાવી છતાં પંચમહાલમાં મોટાભાગના ખેડુતોએ ફોર્મ જમાં કરાવી દીધા છે. જિલ્લામાં સર્વે થયેલ 42 હજાર ખેડુતોને સહાયની રકમ મળવાની ચાલુ થઈ હતી. ખેતીવાડી વિભાગ દ્વારા સહાયના 60હજાર ફોર્મ જમાં થયા છતાં વિભાગે સર્વે કરેલ 42 હજાર ખેડુતોને સહાય ચુકવાશે તેમ જણાવ્યુ છે. ત્યારે જિલ્લામાં 33 ટકા કરતા ઓછુ નુકસાન થયેલ હોય તથા સર્વે બાકી રહેલ ખેડુતોને સહાયની રકમથી વંચિત રહેવાનો વારો આવશે તેમ લાગી રહ્યુ છે.