છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઉંચાકલમ વસાહતના લોકો મતદાન સંખેડા તાલુકામાં કરે છે. ગ્રામ પંચાયત પણ સંખેડા તાલુકામાં આવેલ છે. તેઓના આધારકાર્ડમાં બોડેલી તાલુકો લખાય છે. આવક-જાતિના દાખલા પણ બોડેલી તાલુકામાંથી આપે છે. આમ બે તાલુકા વચ્ચે ઉંચાકલમ વસાહતના લોકો ઝુલી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્ર્વરનો અમુક ભાગ નર્મદા ડેમ બનતા ડુબાણમાં જતાં ત્યાંના પરિવારોને બોડેલી તાલુકાના સણોલી જુથ ગ્રામ પંચાયતના ઉંચાકલમ વસાહતમાં સરકાર દ્વારા વસાવ્યા હતા. તે જ રીતે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કટનેરાના લોકોને પણ અસરગ્રસ્ત તરીકે ત્યાં વસાવ્યા હતા. પરંતુ મુળભુત સુવિધાઓ ગ્રામ પંચાયતની મળતી નથી. નાના બાળકો માટે આંગણવાડીની સુવિધા આપી નથી. ગટરલાઈન નથી. ગામમાં ઠેર ઠેર ગટરોના દુષિત પાણી ભરાય છે. ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે રોડ ઉપર ભરાય છે. ગામમાં પીવાના પાણી માટે નલ સે જલ યોજનામાં પાણીની ટાંકી બનાવી અને જે નળ ધરે ધરે બેસાડ્યા છે તેમાં જે જે પાણી આપવામાં આવે છે તે પાણી પીવાલાયક નથી. તેવુ ગ્રામજનો જણાવી રહ્યા છે. અમુક નળ તુટી ગયા છે. બોડેલી તાલુકામાં ઉંચાકલમ ગામ આવે છે. જયારે તેઓને સંખેડા તાલુકાની સણોલી ગ્રામ પંચાયતમાં સમાવેશ કરેલ છે. બે તાલુકામાં વિભાજન વખતે તંત્રના અધિકારીઓને ધ્યાન આપ્યુ નથી. આ સમસ્યાને લઈને લોકોએ અલગ ગ્રામ પંચાયતની માંગ કરી છે.