
આદ્યશક્તિ મા જગતજનની અંબાના ધામ અંબાજીમાં આજે ચૈત્રી નવરાત્રિની અષ્ટમી (દુર્ગાષ્ટમી) ના પાવન અવસરે આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ હજારો માઈભક્તો માતાજીના આશીર્વાદ લેવા અને મંગળા આરતીનો લહાવો લેવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે.
ચૈત્રી નવરાત્રિની એક ખાસ પરંપરા મુજબ, એકમથી આઠમ સુધી અંબાજી મંદિરમાં દરરોજ બે મંગળા આરતી કરવામાં આવે છેઃ પ્રથમ આરતી માતાજીના મુખ્ય ગર્ભગૃહમાં. બીજી આરતી મંદિરમાં કરવામાં આવેલી ઘટ સ્થાપના પાસે.
આઠમના દિવસે વહેલી સવારે ૬ઃ૦૦ કલાકે યોજાયેલી આ આરતીમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આવતીકાલ એટલે કે નોમથી મંદિરમાં પૂર્વવત રીતે સવારની એક જ મંગળા આરતી કરવામાં આવશે.
ચૈત્રી નવરાત્રિ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરને અત્યંત મનમોહક રીતે શણગારવામાં આવ્યું છે. દેશ-વિદેશના વિવિધ રંગબેરંગી ફૂલોની સજાવટ અને દિવ્ય રોશનીથી મંદિર પરિસર ઝળહળી ઉઠ્યું છે. કાળઝાળ ગરમી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી નથી.
સાબરકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા (નાના અંબાજી) ખાતે પણ આઠમની ભવ્ય ઉજવણી થઈ રહી છે. ભક્તો માટે વહેલા દર્શનની વ્યવસ્થા અંતર્ગત મંદિર વહેલી સવારે ૫ઃ૧૫ કલાકે જ ખોલવામાં આવ્યું હતું. અનેક શ્રદ્ધાળુઓએ માતાજીના આશીર્વાદ મેળવવા મંદિરની ૧૦૮ પ્રદક્ષિણા પણ કરી હતી. આ ઉપરાંત, મંદિર પરિસરમાં સવારથી જ આઠમના હવનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે સાંજે ૪ઃ૦૦ થી ૪ઃ૩૦ દરમિયાન શ્રીફળ હોમ સાથે પૂર્ણ થશે. અહીં દર્શનાર્થે આવેલા ભક્તોએ માતાજીના ‘કમળ પર સવારી’ ના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને ભારે ધન્યતા અનુભવી હતી. માતાજીની આરાધનાના આ શ્રેષ્ઠ દિવસે ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ પદયાત્રીઓ શક્તિપીઠે શીશ ઝુકાવવા પહોંચ્યા હતાં.