પાલીતાણાના સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમના ગૃહપતિ સસ્પેન્ડ, વિદ્યાર્થી સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કૃત્ય આચર્યું

ભાવનગર જિલ્લાના પાલીતાણાની તળેટી રોડ પર આવેલું સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. અહીં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગૃહપતિ છેલ્લા ત્રણ વર્ષથી માર મારતા હતા. આ સાથે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી અવારનવાર માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ લાગ્યા છે. વિદ્યાર્થીના વાલીએ ભાવનગરની એસપી ઓફિસમાં આ અંગેની અરજી કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પાલીતાણાના તળેટી રોડ પર આવેલા સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગૃહપતિ હસમુખ શાહ છેલ્લા ત્રણ વર્ષથી હેરાન કરતા હતા. આ ગૃહપતિ તે વિદ્યાર્થીને માર મારતા હતા અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી અવારનવાર માનસિક ત્રાસ આપતો હતો. સસ્પેન્ડ કરવા તથા કરિયર સર્ટિફિકેટ નહીં આપવાની ચીમકી આપીને ગૃહપતિ ત્રણ વર્ષથી વિદ્યાર્થી સાથે દુષ્કૃત્ય આચરતો હતો. આ ગંભીર ઘટના સપાટી પર આવતા સંસ્થાના ટ્રસ્ટીઓને જાણ કરવામાં આવી હતી. ત્યારે ટ્રસ્ટીઓએ ગૃહપતિ હસમુખ શાહને સસ્પેન્ડ કરી દીધા હતા. આ સમગ્ર ઘટનાની જાણ પાલીતાણા ટાઉન પોલીસ મથકના પીઆઇ ને પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીના વાલીએ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.

પીડિત વિદ્યાર્થીના પિતાએ આ અંગે જણાવ્યું છે કે, મારો દીકરો છેલ્લા છ વર્ષથી પાલીતાણાના સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં ભણે છે. ત્યાંના ગૃહપતિ હસમુખભાઈ શાહ છેલ્લા ત્રણ વર્ષથી મારા દીકરા સાથે દુષ્કૃત્ય આચરે છે. હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે ભાવનગરના એસપી પાંડે સાહેબને મળવા આવ્યા છે. આ બાલાશ્રમ તળેટી રોડ પર આવેલું છે. હસમુખભાઈ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને આ બાલાશ્રમમાં છેલ્લા ઘણા સમયથી ગૃહપતિ છે. મારા દીકરાની સાથે અન્ય ચારથી પાંચ બાળકો સાથે આવું થયું છે. પરંતુ તેમના વાલીઓ પર સંસ્થાનું દબાણ છે જેના કારણે હવે તેઓ કાંઈપણ બોલવા તૈયાર નથી. તે વાલીઓને આ લોકોએ બીવડાવીને રાખ્યા છે.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, ટ્રસ્ટીઓએ જ્યારે હસમુખભાઈને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, હા મારાથી આવું થયું છે અને હાલ સસ્પેન્ડ કરી દીધા છે. ટ્રસ્ટીઓ તો આ સાહેબને સસ્પેન્ડ કરીને છૂટી ગયા, પણ મારા છોકરાએ ત્રણ વર્ષ સુધી આ સહન કર્યું છે તો મારે ન્યાય જાઈએ છે.