ગિરનાર અંબાજી મંદિરમાં માસ-મદિરાની પાર્ટી મામલે ૧૧ લોકો સામે ફરિયાદ નોંધવા આદેશ મંદિરના મહંતની નિમણૂક પ્રક્રિયા રદ

જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીના તપાસ રિપોર્ટના આધારે મંદિરમાં માસ અને મદિરાનું સેવન કરનાર અને મંદિરની દાનપેટીમાંથી દાનના રૂપિયાની ગેરરીતિ આચરનારા ૧૧ સામે વહીવટદારને પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે.હાલ અંબાજી મંદિરમાં મહંત નીમવા સરકારી પ્રક્રિયા ચાલુ હતી તેને પણ રદ કરીને નવેસરથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિરમાં માસ અને મદીરાની પાર્ટી થતી હોવાનો તેમજ મંદિરમાં આવતા ભક્તો દ્વારા જે દાનની રકમ આપવામાં આવે છે તેમાં મંદિરના જ પૂજારી અને અન્ય ઈસમો સંકળાયેલા હોવાની પ્રાંત અધિકારીના તપાસ રિપોર્ટ બાદ જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયા દ્વારા તમામ ૧૧ લોકો સામે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરવાની સૂચના વહીવટદારને આપી છે. ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં કેટલાક લોકો માસ અને મદીરાની પાર્ટી કરી રહ્યા હોવાનું તેમજ મંદિરના પૂજારી દાનની રકમ સેરવીને ગેરરિતી આચરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને લઈને કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી હતી. આ ઘટનામાં મંદિર પરિસરમાં માસ અને મદીરાનું સેવન કરનાર છ શખ્સો અને મંદિરની દાન પેટીની રકમની ઉચાપત કરનાર લોહો સહિત ૧૧ સામે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો છે.

સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જ પ્રાંત અધિકારીની તપાસ ટીમ સામે એવી વિગતો સામે આવી છે કે, આ વિડીયો ૨૨/૧૦/૨૫નો હોવાનુ સામે આવ્યું છે જેમાં કુલ છ લોકો સામેલ જોવા મળતા હતા જેમાં બે સગીર હોવાની વિગતો પણ પ્રાંત અધિકારીની તપાસમાં સામે આવી છે. સમગ્ર ઘટનામાં મંદિરના મુખ્ય પૂજારીના પુત્ર અભિષેક ચૌહાણ છે જે મંદિરમાં માસ અને મદિરાની પાર્ટી થતા પૂર્વે એક અઠવાડિયા પહેલા જ ત્યાં પહોંચી ગયો હતો અને અન્ય જે લોકો વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે અભિષેક ચૌહાણના મિત્રો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

તપાસ અહેવાલમાં મંદિરમાં માસ અને મદિરા પહોંચાડનાર વ્યક્તિ તરીકે છગનભાઈ ડાભીની ઓળખ થઈ છે, જે જૂનાગઢમાંથી માસ અને મદિરા લઈને મંદિર સુધી પહોંચ્યો હતો. આ સિવાયના અન્ય લોકો સીડી મારફતે રાત્રિના સમયે મંદિર પહોંચ્યા હતા અને મંદિરની ગોખના આગળના ભાગમાં આ લોકોએ રાત્રિ દરમિયાન દારૂનું સેવન કર્યું હતું અને ત્યાર બાદ અભિષેક ચૌહાણ તમામને મંદિરના ભંડારામાં જમવા માટે લઈ ગયો હતો જ્યાં આ તમામ લોકોએ માસનું સેવન કર્યું છે તેવો ઘટસ્ફોટ તપાસ રિપોર્ટમાં થયો છે.

અન્ય એક ઘટનામાં મંદિરના પૂજારીઓ ભાવિકો દ્વારા ધરવામાં આવતા દાનની રકમની ગેરરીતી કરતા હોવાનું પણ વાયરલ થયેલા વિડીયોમાં સામે આવ્યું છે જેમાં કેટલાક પૂજારીઓ દ્વારા દાન પેટી પર કપડું રાખીને ભક્તો દ્વારા દાનમાં આપવાના રૂપિયા દાન પેટી કે મંદિર માં જમા કરાવતા નહીં પરંતુ પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે રાખીને અનિયમિતતા આચરતા હોવાનું સામે આવ્યું છે. જે લોકો વિડીયોમાં નાણાકીય ગેરરીતી કરતા જોવા મળ્યા છે તે પૈકીના એક જ વ્યક્તિ મંદિરનો અધિકૃત નિમાયેલો પૂજારી હતો, બાકીના તમામ લોકો અનઅધિકૃત રીતે મંદિરમાં દાનના રૂપિયાની ગેરરીતી કરતાં જાવા મળ્યા હતા. પ્રાંત અધિકારીના તપાસ રિપોર્ટમાં કસુરવાર સાબિત થયેલા યોગેશગીરી દુષ્યંતગીરી, દેવગીરી કુંદનગીરી અને ભરત નાથ એમ પાંચ વ્યક્તિઓ સામે પણ વહીવટદાર દ્વારા એફઆઇઆર દાખલ કરાવવામાં આવે તેવી સૂચના જિલ્લા કલેકટરે આપી છે. વધુમાં મંદિરના ચાર્જમાં રહેલા વહીવટદાર કમ મામલતદારને પણ સમગ્ર મામલામાં કલેકટર દ્વારા નોટિસ આપીને તેનો પણ ખુલાસો પૂછવામાં આવશે. વહીવટદાર પણ જા તેમને સોંપવામાં આવેલી એક પણ ફરજમાં શરત ચૂક થઇ હશે તો તેની સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કલેકટર અનિલ રાણાવસિયાએ કરી છે.

અંબાજી મંદિરના મોટા પીર બાવા તનસુખગીરી બાપુનું નિધન થતા મંદિરમાં પીરબાવા નિમવાને લઈને વિવાદ થતા ૨૯ નવેમ્બર ૨૦૨૪થી મંદિરનો તમામ વહીવટ સરકાર હેઠળ આવ્યો અને તે દિવસથી મંદિરમાં વહીવટદારનું શાસન શરૂ થયું જેમાં મંદિરના વહીવટ માટે બાર વ્યક્તિઓને વહીવટદાર દ્વારા નિમણૂક કરવામાં આવ્યા હતા. જેમાં નવ પુજારી, એક પી.આર.ઓ અને એક રસોઈયાની સાથે એક સફાઈ કામદારનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ લોકો મંદિરમાં ઘટેલી ઘટનાઓની જાણ વહીવટદારને કરવામાં નિષ્ફળ રહ્યા છે જેથી આ તમામ બાર લોકોને મંદિર પરિસરમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે અંબાજી મંદિરમાં નવા મહંત નિમવાને લઈને ત્રણેક મહિના પૂર્વે પ્રક્રિયા શરૂ થઈ હતી પરંતુ તાજેતરમાં જ થયેલા વિવાદ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ અંબાજી મંદિરમાં મહંત નિમવાની જે કાયદાકીય પ્રક્રિયા ચાલુ હતી તેને હાલ પૂરતી રદ કરવામાં આવી છે. સમગ્ર મામલામાં હવે નવેસરથી મંદિરના મહંતની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.