કાલોલ મહાલક્ષ્મી ચોકમાં ઉભરાતી ગટરોથી રહિશો પરેશાન

કાલોલ શહેરમાં જુનુ મુખ્ય બજાર ગણાતા મહાલક્ષ્મી ચોકથી કલાલ ઝાંપા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ખુલ્લી ગટરો ઉભરાતા બજારના માર્ગો પર વહેતા ગંદા પાણી અને દુર્ગંધથી રહિશો, વાહનચાલકો અને ખરીદી માટે આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

કાલોલના જુના બજાર ગણાતા મહાલક્ષ્મી ચોકથી સુથાર ફળિયા અને કલાલ ઝાંપા વિસ્તારમાં એક અઠવાડિયાથી ખુલ્લી ગટરોના ઉભરાતા ગંદા પાણી નદીની જેમ રસ્તા પર વહે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર વોર્ડ નં.-૨ અને વોર્ડ નં.-૭ વિસ્તારના જુના પરા, માળી ફળિયા, ગાંધી ફળિયા, કાછીયાવાડથી મહાલક્ષ્મી ચોક અને સુથાર ફળિયા સહિતના વિસ્તારોની ગટરના પાણી જુની ખુલ્લી ગટરો મારફતે કલાલ ઝાંપાથી નદી તરફ નિકાલ થાય છે. પરંતુ ધણા સમયથી ગટર લાઈન પર બનેલા ઓટલા અને ગેરકાયદે દબાણોને પગલે ધણી જગ્યાએ જુની ગટરલાઈનો બ્લોક થઈ ગઈ છે. ઉપરાંત એક વર્ષથી ગટરલાઈનની કોઈ સાફસફાઈ પણ કરાઈ નથી. જેને પગલે ખુલ્લી ગટરલાઈન ઠેર ઠેર ચોકઅપ થઈ જતાં ઉભરાતી જોવા મળે છે. છેલ્લા બે અઠવાડિયાથી પરિસ્થિતિ વકરતા ગટરના ગંદા પાણી નદીની જેમ રસ્તા પર રેલાય છે. અને તેની દુર્ગંધ ફેલાત રોગચાળાની દહેશત સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને કારણે પાલિકા તંત્ર સામે નગરજનોએ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.