દે.બારીઆ માનસરોવર તળાવમાં કાર ખાબકતા રાજકોટના યુવકનુ મોત

દે.બારીઆમાં આવેલ માનસરોવર તળાવમાં એક કાર ખાબકતા તેમાં સવાર ત્રણ મિત્રો પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. જે પૈકી સ્થાનિક તરવૈયાઓએ યુવકોને બહાર કાઢ્યા હતા. પરંતુ ત્રણ પૈકી એક યુવકનુ પાણીમાં ડુબી જવાથી મોત નીપજયું હતુ. જયારે અન્ય બે યુવકોને વધુ સારવાર માટે એક યુવકને ગોધરા અને બીજાને વડોદરા ખસેડાયા હતા.

દે.બારીઆ તાલુકાના સાવલી ગામે અભ્યાસ કરતા અને દે.બારીઆ ખાતે રહેતા પ્રિત રાકેશકુમાર અગ્રવાલ(ઉ.વ.૨૪)અને ધુ્રવરાજ પ્રગ્નેશભાઈ વરીયા(ઉ.વ.૨૪)તેમના ત્રીજા મિત્ર રાજકોટના રહેવાસી રાહુલ વિનોદભાઈ ચાવડા સાથે કારમાં દે.બારીઆના માનસરોવર બેટ ખાતે ફરવા આવ્યા હતા. જયાં ત્રણેય તળાવ ફરતે ચકકર મારતા હતા. ત્યારે અચાનક કારના સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પાળ તોડીને તળાવના પાણીના ખાબકી ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગી હતી. જેથી ત્રણેય મિત્રો પણ પાણીમાં ડુબવા લાગ્યા હતા. જેથી તેઓએ બચવા માટે બુમાબુમ કરતા નજીકમાં રહેલા લોકો દોડી આવ્યા હતા. જેઓએ કાર સાથે ત્રણ યુવાનોને ડુબતા જોતા કેટલાક યુવકોએ તળાવમાં ઝંપલાવીને ત્રણેયને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. જે બાદ ત્રણેયને સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં ફરજ પરના તબીબે રાહુલ ચાવડાને મૃત જાહેર કર્યો હતો. જયારે ધ્રુવરાજને ગોધરા સિવિલ હોસ્પિટલમાં અને પ્રિત અગ્રવાલને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરબિગ્રેડની ટીમ પણ ધટના સ્થળે દોડી આવી હતી. પોલીસે બનાવની તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી.