દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : ૧૨.૦૧ લાખનો દારૂસાથે અર્ટીગા કાર ઝડપી

દાહોદ જીલ્લામાં પ્રોહીબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. જીલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન સંબંધિત અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્ય માંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા એલ.સી.બી. ટીમને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

તે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન દાહોદ ટાઉન એ ડિવિઝન વિસ્તારમાં ગરબાડા ચોકડી પાસે ઇન્દોર-અમદાવાદ હાઈવે પર એમ.પી. તરફથી આવતી એક શંકાસ્પદ સફેદ કલરની મારૂતિ અર્ટીગા કાર (GJ-06-BV-9756)ને રોકવા ઈશારો કરવામાં આવ્યો હતો. ગાડીચાલકે થોડું આગળ જઈ ગાડી રોડની બાજુમાં ઉભી રાખી અંધારાનો લાભ લઈ ઝાડી-ઝાંખરામાં નાસી ગયો હતો.

પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂ તથા ટીન બિયર મળી કુલ ૧,૭૫૦ બોટલો મળી આવી હતી. જેણી કિંમત રૂ.૫,૦૧,૪૫૬/- ગણાય છે. દા‚ની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી મારૂતિ અર્ટીગા કાર કિંમત રૂ ૭,૦૦,૦૦૦/- સાથે કુલ રૂ.૧૨,૦૧,૪૫૬/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ અંગે દાહોદ ટાવન એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આમ, દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી માત્રામાં ગેરકાયદેસર દારૂ ઝડપી પ્રોહી ગણનાપાત્ર ગુનો શોધી કાઢવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.