આજે મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો આપવામાં આવ્યો છે. કડી તાલુમાં આવેલી એક ગામની સીમમાં બે નરાધમોએ સગીરાનો દેહ ચૂંથ્યો હતો. આ મામલે આજે કોર્ટે બંને આરોપીઓને ૨૫ વર્ષ સખત કેદની સજા ફટકારી છે. અત્રે નોંધનીય છે કે, આ ઘટના ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ ઘટી હતી. જેમાં આજે કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે.
૨૪, ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આરોપી નરેશજી નટુજી ઠાકોરે સગીરાને બળજબરીથી પકડી મિલની ઓરડીમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ અન્ય આરોપી અજયજીએ સગીરાનું અપહરણ કરીને, તેને મોટરસાયકલ પર બેસાડી સિદ્ધેશ્વરી માતાના મંદિર પાસેની બાવળની ઝાડીઓમાં લઈ જઈ ફરીથી તેના પર તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, ખોટા કૃત્યને અંજામ આપ્યા બાદ તેણે સગીરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ વિરૂદ્ધ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તે બાદ પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. કેસની સુનવણી દરમિયાન સરકારી વકીલ રેખાબેન જાષીએ ધારદાર દલીલો રજુ કરી હતી. અને કોર્ટ સમક્ષ ૩૪ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, અને ૧૨ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. અંતે સ્પેશિયલ પોક્સો કોર્ટે બંને આરોપીઓને કસૂરવાર જાહેર કર્યા હતા.
કોર્ટે મુખ્ય આરોપી નરેશજી નટુજી ઠાકોર અને અજયજી વિરાજી ઠાકોરને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૫ વર્ષની સખત કેદ અને રૂ. ૫ હજારનો દંડ ફટકાર્યો છે, સાથે જ કોર્ટે ભોગ બનનાર સગીરાને રૂ. ૧ લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે.