ગત મોડી રાતે માંડવી નજીક એક ભયાનક અકસ્માતમાં બે લોકોના મોતની કરુણ ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ આસંબિયા-જખણિયા માર્ગ પર કાર અને બાઈક વચ્ચે જોરદૃાર ટક્કર થતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવાર બે યુવકના મોત થયા છે. જ્યારે અકસ્માત બાદ કારમાં આગ લાગતા કાર આખી બળીને ખાખ થઈ ગઈ છે. જે મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, સાથે જ આ ઘટનાના હચમચાવતા દ્રશ્યો હાલ સામે આવી રહૃાા છે.
આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના માંડવી નજીક પસાર થતા આસંબિયા-જખણિયા માર્ગ પર ગઈકાલે રાતે બાઈક અને કાર વચ્ચે ટક્કર થતા આ કરુણ અકસ્માત સર્જાયો હતો. મોડી રાતે એક કિયા સેલ્ટોસ કાર અને હોન્ડા મોટરસાયકલ પસાર થઈ રહ્યા હતા, ત્યારે બંને વચ્ચે જારદાર ટક્કર થઈ હતી. જેમાં બાઈક સવાર બે યુવકોએ ઘટના સ્થળે જ પ્રાણ પંખીડું ગુમાવી દીધું હતું.
મોડી રાતે સર્જાયેલા આ અકસ્માત બાદ કાર અને બાઈક બંને વચ્ચેની ટક્કર એટલી જારદાર હતી કે બંને વાહનો રસ્તા નીચે બાવળોની ઝાડીમાં ઘૂસી ગયા હતા. દુર્ઘટના બાદ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જાતજાતામાં કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી. જેના હાલ હચમચાવતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
ઘટના બાદ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અકસ્માત સ્થળે એકઠા થયા હતા અને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમને જાણ કરી હતી. બાદમાં ઘટનાની જાણ થતા ૧૦૮ની ટીમ તેમજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તથા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ત્વરિત હોસ્પિટલ મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ અકસ્માતમાં મૃત્યુ પામનાર બેઉ યુવકોની ઓળખ ભુજના રહેવાસી તરીકે થઈ છે. ભુજના કિરણ વિનોદભાઈ વઢિયારા (ઉ.વ. ૨૩) અને રોહિત વઢિયારા (ઉ.વ. ૨૩) હોન્ડા સ્પ્લેન્ડર પર કોડાય પુલથી આસંબિયા તરફ જતા હતા, ત્યારે કિયા કાર સાથે ભયંકર ટક્કર થતા બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. આટલું જ નહીં, આ અકસ્માતગ્રસ્ત બાઈક પર ત્રણ યુવકો સવાર હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. જેમાંથી બે યુવકોએ તો ઘટનાસ્થળે જ પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે એક બાઈક સવાર યુવકને અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પહોંચી હોવાથી તેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જે મામલે કોડાય પોલીસે ઘટનાસ્થળે દૃોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.