પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી કરવાની રીત નથી, પરંતુ પ્રકૃતિ સાથે તાલમેલ મિલાવી જીવવાની એક કળા છે. જ્યારે આપણે કોઈ ધાન કે છોડની વાવણી પ્રાકૃતિક પદ્ધતિથી કરીએ છીએ, ત્યારે તેનો મુખ્ય આધાર ’બીજામૃત’ છે. વાવણી પહેલાં બીજને ગાયના છાણ, ગૌમૂત્ર, ચૂનો અને ખેતરની માટીના મિશ્રણથી સંસ્કારિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી બીજને ફૂગ અને અન્ય રોગો સામે કુદરતી રક્ષણ મળે છે, જેના કારણે રાસાયણિક જંતુનાશકોની જરૂર રહેતી નથી. તંદુરસ્ત બીજ એ સમૃદ્ધ પાકનો પાયો છે અને પ્રાકૃતિક રીતે થયેલી વાવણી જમીનની ફળદ્રુપતાને લાંબા ગાળા સુધી જાળવી રાખે છે.
વાવણી દરમિયાન ’જીવામૃત’ અને ’ઘન જીવામૃત’નો ઉપયોગ એ આ પદ્ધતિનો પ્રાણ છે. પ્રાકૃતિક કૃષિમાં જ્યારે છોડ રોપવામાં આવે છે, ત્યારે જમીનમાં અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓની પ્રવૃત્તિ વધે છે. રાસાયણિક ખાતરોને બદલે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી બનેલું આ પોષણ છોડના મૂળને મજબૂત બનાવે છે. આ પદ્ધતિમાં ’આચ્છાદન’ (ખીહભવશક્ષલ) નું પણ વિશેષ મહત્વ છે, જે જમીનમાં ભેજ સંગ્રહવાની શક્તિ વધારે છે અને ઓછા પાણીએ પણ પાકને લહેરાતો રાખે છે. આમ, વાવણીથી જ છોડને જે કુદરતી વાતાવરણ મળે છે, તે તેના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.
પ્રાકૃતિક રીતે વાવેલા ધાન કે છોડમાંથી મળતું ઉત્પાદન માત્ર ખેડૂત માટે આર્થિક રીતે ફાયદાકારક નથી, પરંતુ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ આશીર્વાદરૂપ છે. ઝેરમુક્ત અને પોષક તત્વોથી સભર આ પાક લેવાથી જમીન, જળ અને વાયુનું પ્રદૂષણ અટકે છે. જ્યારે ખેડૂત ખર્ચાળ રાસાયણિક ખેતી છોડીને આ શૂન્ય બજેટ પદ્ધતિ અપનાવે છે, ત્યારે તે સાચા અર્થમાં આત્મનિર્ભર બને છે. અંતે, પ્રાકૃતિક વાવણી દ્વારા ઉછરેલો એક નાનકડો છોડ પણ આવનારી પેઢી માટે શુદ્ધ ખોરાક અને સુરક્ષિત પર્યાવરણની ખાતરી આપે છે.