નસવાડીના આંતરિયાળ વિસ્તારોમાં કાચા રસ્તાના કારણે મહિલા બી.એલ.ઓ.એ ઝેરોક્ષ મશીન માથે લઈ ગામોમાં કામ કર્યુ

નસવાડી તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આજે પણ કાચા રસ્તાના અભાવે મહિલા બી.એલ.ઓ.દ્વારા ઝેરોક્ષ મશીન સાથે લઈ જઈ ગામમાં કામગીરી કરી હતી.

નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના છોટીઉમરથી સાંકડીબારી ગામને જોડતો રસ્તો કાચો હોવાના કારણે ગ્રામજનો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હાલ શિક્ષકો તેમજ આંગણવાડી કર્મચારીઓને બી.એલ.ઓ.ની કામગીરી પુર્ણ કરવા માટે લગાડ્યા છે. જેને લઈ કર્મચારીઓ ગામે ગામ જઈ કામગીરી કરી રહ્યા છે. ત્યારે કુપ્પા મતદાન મથકની બી.એલ.ઓ. સાંકડી બારી ગામે બી.એલ.ઓ.ની કામગીરી કરવા મતદારોને એક ઝેરોક્ષ અને ફોટો કોપી કઢાવવા નસવાડી તેમજ તણખલા ખાતે રૂ.100 થી 200 નો ખર્ચ કરી જવુ ના પડે તે માટે બી.એલ.ઓ.એ પોતાના માથે ઝેરોક્ષ મશીન ઉંચકીને કાચા રસ્તા પરથી પસાર થઈ જઈ રહ્યા હતા. અને સાથે આ કામગીરીમાં તેમનો ભાઈ પણ જોડાયો હતો. સ્થળ ઉપર મતદારોના પુરાવાઓ ઝેરોક્ષ નીકળી જાય તે માટે ભાઈને કામે લગાડ્યો હતો. હાલ તો કાચા રસ્તાનુ દુ:ખ સરકારી કામગીરી કરનાર બી.એલ.ઓ.ને પણ વેઠવુ પડયુ હતુ.