
છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સુવિધાઓના અભાવ અને સ્ટાફના વર્તન અંગે સ્થાનિક આદિવાસી યુવાનો દ્વારા જીલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. યુવાનોએ હોસ્પિટલમાં તાત્કાલિક સુધારાની માંગ કરી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, જનરલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન અને સોનોગ્રાફી મશીન જેવી આવશ્યક સુવિધાઓનો અભાવ છે. આને કારણે દર્દીઓને બોડેલી અથવા વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ પડે છે. ઈમરજન્સી કેસમાં પણ તાત્કાલિક સારવાર મળતી નથી અને જરૂરી ડોક્ટર સ્ટાફ ઉપલબ્ધ હોતો નથી.
હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર અને જનરલ સર્જન જેવા નિષ્ણાત ડોકટરોની પણ અછત છે. પરિણામે, ગંભીર દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવા પડે છે, જેનાથી તેમને ભારે હાલાકી ભોગવવી પડે છે.
યુવાનોએ થોડા દિવસો પહેલા રાયપુર ગામના ત્રણ યુવાનોના અકસ્માતનો દાખલો આપ્યો હતો. તેમને પ્રાથમિક સારવાર માટે છોટાઉદેપુર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે ધનુરનું ઇન્જેક્શન આપવામાં પણ 30 મિનિટથી વધુ સમય લાગ્યો હતો.
એક યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી સ્ટાફ દ્વારા જણાવાયું કે, ઓર્થોપેડિક અથવા સર્જનની જરૂર પડશે, પરંતુ હોસ્પિટલમાં કોઈ સર્જન હાજર નથી. સ્ટાફે દર્દીને વડોદરાની સરકારી હોસ્પિટલમાં અથવા કોઈ ખાનગી દવાખાનામાં લઈ જવાની સલાહ આપી હતી. આ પ્રાથમિક સારવારમાં એક કલાકનો સમય લાગ્યો હતો.
યુવાનોએ જણાવ્યું કે, છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં 30 મિનિટમાં સંપૂર્ણ સારવાર મળી ગઈ હતી. તેમણે પ્રશ્ર્ન કર્યો કે જીલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આવી સુવિધાઓ કેમ ઉપલબ્ધ નથી. યુવાનોએ સરકારી હોસ્પિટલમાં સુવિધાઓ સુધારવા અને દર્દીઓને યોગ્ય સારવાર મળે તેવી માંગ કરી છે.