નવા વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં ગુજરાતના જામનગર અને પાટણ જિલ્લામાં નાના વિવાદો હિંસામાં ફેરવાયા

ગુજરાતમાં બે જગ્યા પર જૂથો વચ્ચે હિંસક અથડામણ, જામનગરમાં એકનું મોત, પાટણમાં ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ

નવા વર્ષ ૨૦૨૬ની આગમનની ઉજવણી વચ્ચે ગુજરાતના જામનગર અને પાટણ જિલ્લામાં નાના વિવાદોમાંથી ઉભરી આવેલી હિંસક અથડામણોએ ચિંતા વધારી છે. જામનગરના સચાણા ગામમાં પૈસાની લેવડ-દેવડને લઈને થયેલા હુમલામાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે પાટણના હારીજ તાલુકામાં હોટલના બિલમાં છૂટ્ટા પૈસાને લઈને થયેલી બોલાચાલીએ ધામક અને જાતિવિષયક રંગ લઈને ગંભીર હિંસા માં ફેરવાઈ ગઈ છે.

જામનગરના સચાણા ગામમાં ૩૧ ડિસેમ્બરની મોડી સાંજે માછીમારીની જાળની ખરીદીના પૈસાને લઈને બે જૂથો વચ્ચે તીવ્ર તકરાર થઈ હતી. સચાણા ગામના રહેવાસી હાજી બચુ કકલેએ તેમના પરિચિત અકબર દાઉદ બુચડ પાસેથી માછીમારીની જાળ ખરીદી હતી. જાળની કુલ કિંમત પાંચ લાખ રૂપિયા હતી, જેમાંથી ચાર લાખ ચૂકવાઈ ગયા હતા અને એક લાખની બાકી રકમ ૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ચૂકવવાની હતી.જોકે, અકબર દાઉદ બુચડ અને તેના સાગરીતો ધારદાર હથિયારો સાથે હાજી બચુ કકલેના ઘરે ધસી આવ્યા અને તાત્કાલિક પૈસાની માંગ કરી હતી.

વાત વણસતાં હુમલાખોરોએ હાજી બચુ કકલે, તેના પરિવારના સભ્યો અને ત્રણ મહિલાઓ સહિત કુલ ૧૦ લોકો પર ઘાતક હુમલો કર્યો. આ હુમલામાં ગામમાં ધીંગાણું સર્જાયું હતું.ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ મોડી રાત્રે ઇસ્માઇલ સંધાર નામના યુવકનું મોત નીપજતાં આ ઘટના હત્યામાં પરિવતત થઈ હતી. પોલીસે ૧૪ આરોપીઓ સામે હુમલા ,હત્યા સહિતના ગંભીર વિભાગો હેઠળ ગુનો નોંયો છે. તે પૈકી સાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, એક આરોપી સારવાર હેઠળ છે અને બાકીના છની શોધખોળ ચાલુ છે.

પાટણના હારીજ તાલુકાના અડિયા ગામની સીમમાં આવેલી હૈદરખાન ઇબ્રાહિમખાન સિપાઇની નોનવેજ હોટલ પર કુરેજા ગામના અજય અમરતજી ઠાકોર તેમના મિત્રો સાથે જમવા ગયા હતા. જમ્યા બાદ ૩૫૦ રૂપિયાના બિલ સામે ૫૦૦ રૂપિયાની નોટ આપતાં હોટલ માલિક હૈદરખાને છૂટ્ટા પૈસા આપવામાં આનાકાની કરી, જેના કારણે બોલાચાલી થઈ હતી.

આ બાદ હોટલ માલિક અને તેના પુત્રોએ અજય પર હુમલો કર્યો. અજયે તેના ભાઈ સંજય અને મિત્ર જયંતી પરમારને ફોન કરીને બોલાવ્યા હતા. તેઓ પહોંચતાંની સાથે જ હૈદરખાન, તેના પુત્રો ગુલઝર અને અસરદ, હબીબમિયા સિપાઇ, શેહમદખાન, અમીરખાન અને પરવેઝખાન સહિત આશરે ૨૦ વ્યક્તિઓનું ટોળું છરા, ધારિયા અને લોખંડની પાઇપો સાથે ધસી આવ્યું.હુમલાખોરોએ જયંતી પરમારને જાતિવિષયક અપમાનજનક ગાળો આપી અને ગંભીર હુમલો કર્યો. અસરદખાને જયંતીના માથામાં ધારિયું માર્યું, જ્યારે હૈદરખાન અને પરવેઝખાને સંજય પર છરાના ઘા ઝીંક્યા. અન્યોએ પાઇપ વડે માર મારતાં જયંતીને પગમાં અને સંજયને હાથની આંગળીઓમાં ફ્રેક્ચર થયું હતું. ત્રણેય યુવકો ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ડીવાયએસપી પરેશ રેણૂકે જણાવ્યું કે, “બિલની ચુકવણી અને છૂટ્ટા પૈસાને લઈને વિવાદ વકર્યો હતો. બંને જૂથો સામસામે આવી ગયા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.” તેમણે વધુમાં કહ્યું કે ૭ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને ૨૦ અજાણ્યા વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી ચાલુ છે.