શહેરના ગોડાદરા વિસ્તારમાં એક ગંભીર અને ચિંતાજનક મામલો સામે આવ્યો છે, જેમાં ભાજપ સાથે જાડાયેલા એક કાર્યકર પર દબંગગીરી, વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી જેવા ગંભીર આક્ષેપો લાગ્યા છે. આ સમગ્ર ઘટના સ્થાનિક વેપારીઓમાં ભય અને અસુરક્ષાની લાગણી પેદા કરી રહી છે.
મળતી માહિતી અનુસાર, દિલીપસિંહ રાજપુત નામના વ્યક્તિ વિરુદ્ધ ગેરેજ સંચાલક રવિન્દ્ર તિવારીએ સતત ત્રીજી વાર પોલીસ કમિશનરને અરજી કરી છે. અરજીમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ, દિલીપસિંહે શરૂઆતમાં આશરે ૩૦ લાખ રૂપિયાનું ધિરાણ આપ્યું હતું, પરંતુ છેલ્લા નવ વર્ષ દરમિયાન મુદ્દલ અને વ્યાજ મળીને આશરે ૧.૨૧ કરોડથી વધુની રકમ વસૂલ કરી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફરીયાદીનો આક્ષેપ છે કે, ભારે રકમ ચૂકવ્યા છતાં પણ આરોપી વધુ નાણાં માટે દબાણ અને ધમકીઓ આપતો રહ્યો છે. એટલું જ નહીં, આરોપી દ્વારા ‘ગોળી મારી દઈશ’ જેવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો એક ઓડિયો ક્લિપ પણ સામે આવ્યો છે, જેને ફરીયાદીએ પોલીસને પુરાવા તરીકે સોંપ્યો છે.
ફરીયાદમાં વધુમાં જણાવાયું છે કે દિલીપસિંહ રાજપુત કમર પર રિવોલ્વર લટકાવીને ફરતો હોય છે અને પોતાનો રાજકીય પ્રભાવ બતાવીને લોકોમાં ભય પેદા કરે છે. નાના વેપારીઓને ટાર્ગેટ બનાવીને બળજબરીથી ચેકબુક પડાવી લેવાની અને ૧૨ ટકા સુધી વ્યાજ વસૂલવાની ફરિયાદ પણ નોંધાઈ છે. ચેક બાઉન્સના કેસોમાં ફસાવીને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ છે.
હાલમાં આ મામલો વધુ ગંભીર બનતા, કાનન દેસાઈ (ડીસીપી) દ્વારા કેસને એસીપી સ્તરે સોંપવામાં આવ્યો છે અને સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે ઓડિયો ક્લિપ સહિતના તમામ પુરાવાઓની તપાસ કરી રહી છે.