ઝારખંડ રાજ્યસભાની એક બેઠક માટે જારદાર જંગ, ભાજપ ઉમેદવાર ઉભો રાખશે

ભાજપના પ્રમુખ આદિત્ય સાહુએ જણાવ્યું હતું કે રાજ્યસભાની એક બેઠક માટે ઉમેદવાર ઉભા રાખવાનો નિર્ણય ભાજપની રાજ્ય ચૂંટણી સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે ૨૨ મેના રોજ ૧૦ રાજ્યોમાં ૨૪ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી હતી. આમાં ઝારખંડની બે બેઠકોનો સમાવેશ થાય છે, જ્યાં ૧૮ જૂને મતદાન થવાનું છે.

બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. ઝારખંડ મુક્તી મોરચાએ આ ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગ (સાંસદો અને ધારાસભ્યોની ખરીદી અને વેચાણ) અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આ અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનરને લખેલા પત્રમાં,જેએમએમના મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે વિધાનસભામાં ભાજપ પાસે ફક્ત ૨૧ ધારાસભ્યો છે. તેમ છતાં, વિરોધ પક્ષના નેતા બાબુલાલ મરાંડી અને પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુએ જાહેરાત કરી છે કે પાર્ટી આગામી રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખશે. ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે શાસક ગઠબંધનને હાલમાં ૮૧ માંથી ૫૬ ધારાસભ્યોનું સમર્થન છે, જે રાજ્યસભાના બે ઉમેદવારોની જીત સુનિશ્ચિત કરવા માટે પૂરતું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણીમાં ધારાસભ્યોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકાય છે.

જેએમએમના મહાસચિવ સુપ્રિયો ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ પાસે પોતાના દમ પર જીતવા માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યા નથી, તેથી એવી શક્્યતા છે કે ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો ઉપયોગ તેના પક્ષમાં મત મેળવવા માટે થઈ શકે છે.

નોંધનીય છે કે ઝારખંડમાં આ બે બેઠકોમાંથી એક ઝારખંડ મુક્તી મોરચાના વરિષ્ઠ નેતા શિબુ સોરેનના અવસાન પછી ખાલી પડી હતી, જ્યારે બીજી હાલમાં ભાજપના નેતા દીપક પ્રકાશ પાસે છે. દીપકનો છ વર્ષનો કાર્યકાળ ૨૧ જૂને સમાપ્ત થાય છે.

હાલમાં, ભાજપની આગેવાની હેઠળના એનડીએ પાસે ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં ૨૪ સભ્યો છે, અને ઈન્ડીયા એલાયન્સ પાસે ૫૬ સભ્યો છે. પાર્ટીના રાજ્ય મહાસચિવ અમર કુમાર બૌરીએ દાવો કર્યો છે કે તેમને જીતવા માટે ૮૧ માંથી ૨૮ મતોની જરૂર છે, અને તેઓ ચોક્કસપણે તે પ્રાપ્ત કરશે.

શાસક પક્ષ (ઈન્ડીયા એલાયન્સ)  જેએમએમ-૩૪,કોંગ્રેસ-૧૬,રાજદ-૪,સીપીએમ-૨,

એનડીએ ગઠબંધનઃ ભાજપ-૨૧,એલજેપી-૧,જદયુ-૧ ઓલ ઈન્ડીયા સ્ટુડન્ટ્‌સ યુનિયન-૧