ઝાલોદ તાલુકાના થેરકા સ્થિત પંચકૃષ્ણ મંદિર પાસેના પ્રાચીન વડના વૃક્ષ પર લગાવાયેલી તકતીઓ ચર્ચાનું કેન્દ્ર

શ્રદ્ધા, પરંપરા કે અંધશ્રદ્ધા? પ્રાચીન વૃક્ષોના સંરક્ષણને લઈને પણ ઉઠ્યા પ્રશ્નો.

પંચકૃષ્ણ મંદિરને લઈને પણ અનેક લોકવાયકાઓ પ્રચલિત છે. ગામના વડીલો અને સ્થાનિક લોકોના મુખે સાંભળવા મળે છે કે, મહાભારતકાળ દરમિયાન પાંચ પાંડવો અને ભગવાન કૃષ્ણ આ સ્થળે પધાર્યા હતા અને પંચકૃષ્ણ મંદિરની સ્થાપના પણ પાંડવોએ કરી હતી. જોકે, આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર ઐતિહાસિક અથવા પુરાતત્ત્વીય પુરાવો ઉપલબ્ધ છે કે નહીં, તે અંગે નિષ્ણાતો દ્વારા અભ્યાસનો વિષય બની શકે છે. તેમ છતાં સ્થાનિક સમાજમાં આ લોકવાયકાઓ પ્રત્યે ગાઢ શ્રદ્ધા જોવા મળે છે.

ઝાલોદ તાલુકાના થેરકા ગામે આવેલ ઐતિહાસિક પંચકૃષ્ણ મંદિર તેમજ તેની બાજુમાં વહેતી પવિત્ર નદી ધાર્મિક આસ્થા અને પરંપરાનું મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. વર્ષોથી અહીં અંતિમવિધિ બાદ વિવિધ ધાર્મિક ક્રિયાઓ અને શ્રાદ્ધ વિધિઓ કરવામાં આવે છે, જેના કારણે દૂરદૂરથી લોકો અહીં પહોંચે છે.

તાજેતરમાં મંદિર નજીક આવેલા વર્ષો જૂના પ્રાચીન વડના વૃક્ષ પર અલગ-અલગ વ્યક્તિઓના નામ ધરાવતી અનેક તકતીઓ ખીલ્લા મારીને લગાવવામાં આવેલી જોવા મળી હતી. આ દૃશ્યને લઈને સ્થાનિકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શ‚ થઈ છે.

સ્થળ પર જોવા મળેલી તકતીઓ કોણે લગાવી, કયા હેતુથી લગાવી અને તે માટે કોઈ ધાર્મિક પરંપરા કે સૂચના આપવામાં આવે છે કે નહીં, તે અંગે સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. પરિણામે અનેક લોકોમાં કુતૂહલ અને પ્રશ્નો ઉભા થયા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, શક્ય છે કે અંતિમવિધિ અથવા ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ કેટલાક પરિવારો પોતાના સ્વજનોની સ્મૃતિમાં આ પ્રકારની તકતીઓ લગાવતા હોય. જોકે, આ માત્ર એક અનુમાન છે અને તેની સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.

બીજી તરફ પર્યાવરણપ્રેમીઓનું માનવું છે કે, પ્રાચીન વડના વૃક્ષમાં વારંવાર ખીલ્લા ઠોકવાથી વૃક્ષના થડને નુકસાન પહોંચી શકે છે. વડનું વૃક્ષ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ પર્યાવરણીય રીતે પણ અત્યંત મહત્વ ધરાવે છે. આવા વૃક્ષોની જાળવણી અને સંરક્ષણ દરેકની સામૂહિક જવાબદારી છે.

આ સમગ્ર મુદ્દો આજના સમયમાં એક મહત્વપૂર્ણ ચર્ચા ઉભી કરે છે કે, આવી પ્રથાઓને શ્રદ્ધા તરીકે જોવી કે અંધશ્રદ્ધા તરીકે? ધાર્મિક ભાવનાઓનું સન્માન કરવું જ‚રી છે, પરંતુ જો કોઈ પરંપરા કુદરતને નુકસાન પહોંચાડતી હોય તો તેના વિશે સમાજમાં જાગૃતિ લાવવી પણ એટલી જ જ‚રી છે.

ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. તેમ છતાં સમયાનુ‚પ એવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ જેનાથી આસ્થા પણ જળવાઈ રહે અને પ્રકૃતિનું પણ રક્ષણ થાય. જો સ્મૃતિચિહ્ન સ્થાપિત કરવાનું હોય તો તેના માટે અલગ સ્ટેન્ડ, સ્મૃતિ દિવાલ અથવા અન્ય યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો પ્રાચીન વૃક્ષોને નુકસાનથી બચાવી શકાય.

સ્થાનિક ગ્રામ પંચાયત, મંદિર ટ્રસ્ટ, વન વિભાગ તથા સંબંધિત તંત્ર આ મુદ્દે યોગ્ય માર્ગદર્શન આપે અને જ‚ર જણાય તો વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે તેવી પણ સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.

આખરે પ્રશ્ન માત્ર એક વૃક્ષનો નથી, પરંતુ આપણી આસ્થા સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ છે. શ્રદ્ધા અને પ્રકૃતિ બંનેનું સંતુલન જળવાય તે આજના સમયની સૌથી મોટી જ‚રિયાત બની છે.