ઝાલોદ પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી: તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સાયબર ફોડના નાણાં અને ગુમ થયેલા મોબાઈલ પરત કરાયા

ઝાલોદ પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણકાર્યક્રમ અંતર્ગત ઝાલોદ પોલીસે સાયબર ક્રાઈમના ભોગ બનેલા નાગરિકોના ફ્રીઝ થયેલા નાણાં પરત અપાવવાની સાથે-સાથે ચોરી કે ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન પણ શોધીને મૂળ માલિકોને સફળતાપૂર્વક પરત સોંપ્યા છે.

પ્રથમ બનાવમાં, સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર મળેલી ફરિયાદો અને દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટના હુકમથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા કુલ ૧૧ નાગરિકોના ‚. ૫,૯૯,૯૦૨/- સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. જ્યારે બીજા બનાવમાં, TICપોર્ટલ અને ટેકિનકલ સોર્સના માધ્યમથી ઝાલોદ વિસ્તારમાંથી ગુમ થયેલા કુલ ૯ મોબાઈલ ફોન, જેની કિંમત ‚.૧,૪૮,૬૨૨/- થાય છે, તે શોધી કાઢીને અરજદારોને સોંપવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ગામીત તથા તેમની સાયબર ક્રાઈમ અને ટેક્નિકલ ટીમની સક્રિય મહેનતના પરિણામે આ બંને કામગીરી સફળ રહી હતી. નાગરિકોને તેમના હક્કના નાણાં અને કિંમતી સાધનો પરત મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ માધ્યમથી ઝાલોદ પોલીસે પોલીસ પ્રજાની મિત્ર છે અને સુરક્ષા સાથે સેવાના ઉત્તરદાયિત્વના સૂત્રને સાર્થક કર્યું છે. આ સરાહનીય કામગીરી પો.ઈન્સ. આર. જે. ગામીત, પો.સ.ઈ. સી.કે. સિસોદીયા, પો.સ.ઈ. આર.પી. ડામોર અને આઈ.ટી. એક્સપર્ટ જાબીરભાઈ ભાભોર સહિતની ટીમે પાર પાડી હતી.