ભારતના લોખંડી પુરૂષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશ સાથે ઝાલોદ ખાતે પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની અનોખી અને શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પીએમ મોદીનો વર્ચુલી કાર્યક્રમ બાદ ઝાલોદ નગરપાલિકા દ્વારા બાંસવાડા રોડ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને સ્મરાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. અખંડ ભારતનાનિર્માણમાં સરદાર સાહેબના અતુલ્ય યોગદાનને યાદ કરી વક્તાઓ એ તેમના જીવન અને વિચારો પર પ્રકાશ પાડયો હતો. એકતામાં જ શક્તિ છે અને એકતા જ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે ના સંદેશ ને જનજન સુધી પહોંચાડવાના આ ભગીરથ પ્રયાસમાં નગરજનોએ રાષ્ટ્રીય અખંડિતતા અને દૃઢ સંકલ્પના શપથ લીધા હતા. નગરપાલિકા પરિવારના આયોજન હેઠળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમે ઉપસ્થિત સૌ નાગરિકોનું મન મોહી લીધું હતું. દેશભક્તિના રંગે રંગાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રસ્તુતિઓએ વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. બાળકો અને યુવા કલાકારો દ્વારા રજૂ થયેલી કલાત્મક કૃતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને સૌની વાહવાહી મેળવી હતી. સાંજે સાડા પાંચ વાગ્યાથી શ થયેલા આ સમારોહમાં સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેણે ઝાલોદમાં એકતા અને ભાઈચારાના અનોખા માહોલનું નિર્માણ કર્યું હતું. આ પ્રસંગે ઝાલોદના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.