ઝાલોદમાં ખાતરના ઉંચા ભાવ વસુલતા ખાતર વિક્રેતાઓને ખેતીવાડી અધિકારીએ નોટિસ ફટકારી

ઝાલોદમાં ખાતર વિક્રેતાઓ દ્વારા ખાતરના નકકી કરાયેલા ભાવ કરતા ખેડુતો પાસેથી ઉંચા ભાવ વસુલાત કરતા હોવાની ફરિયાદોને પગલે જિલ્લા ખેતી નિયામકની કચેરી દ્વારા કાર્યવાહી કરી તપાસ કરતા રામદેવ એગ્રોનુ 60 દિવસ માટે ખાતર સપ્લાય બંધ કરી દેવાયુ હતુ. તેમજ એગ્રો બિઝનેસ સેન્ટરનુ 30 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયુ છે.

ઝાલોદમાં ખાતર વિક્રેતાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખેડુતો પાસેથી નિયત ભાવ કરતા વધુ કિંમત વસુલવામાં આવતી હોવાની બુમો ઉઠી હતી. ખેડુતોમાં આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જયારે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉભા થયા હતા. ઝાલોદ બસ સ્ટેશન નજીક એગ્રો બિઝનેસ સેન્ટરના સંચાલક કનુભાઈ પ્રજાપતિ દ્વારા યુરિયા ખાતરની એક થેલીના રૂ.350/-વસુલવામાં આવ્યાહતા. ખેડુતોનો આરોપ છે કે, તેમને ખાતરની થેલી સાથે અન્ય કોઈ વસ્તુ આપ્યા વિના જ આ ઉંચા ભાવ લેવામાં આવ્યા હતા. થોડા સમય અગાઉ પણ રામદેવ એગ્રોના મુકેશ પટેલ નામક સંચાલક દ્વારા ખાતરની મુળ કિંમત કરતા રૂ.370/-વધુ વસુલવામાં આવ્યા હોવાની બુમો ઉઠી હતી. તે સમયે પણ ખાતરના નિયમોનુ 5ાલન ન થતુ હોવાનુ જણાયુ હતુ. ખેડુતો દ્વારા દરરોજ યુરિયા ખાતરના ઉંચા ભાવ અંગે ફરિયાદો વધતા સંબંધિત દાહોદ નાયબ ખેતી નિયામક સી.એમ.પટેલે ત્વરિત કાર્યવાહી હાથ ધરતા એગ્રો બિઝનેસ સેન્ટરનુ 30 દિવસ માટે લાયસન્સ રદ્દ તેમજ રામદેવ એગ્રો સંચાલકનુ ખાતર 60 દિવસ માટે સપ્લાય બંધ કરવા નોટિસ ફટકારી હતી. આ કાર્યવાહીથી અન્ય ખાતર વિક્રેતાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.