ઝાલોદમાં ACBની સફળ ટ્રેપ : આવાસ યોજનાના હપ્તા બદલ રૂ.10 હજારની લાંચ લેતા બે ઝડપાયા

પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત મળતા હપ્તાની રકમ ચૂકવવાના બદલામાં રૂ.10,000ની લાંચ લેતા ઝાલોદ નગરપાલિકાના કરાર આધારિત એન્જિનિયર સહિત બે વ્યક્તિને મહીસાગર ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ, ફરિયાદીને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થયું હતું. આવાસનો પ્રથમ હપ્તો રૂ.70,000 બેંક ખાતામાં જમા થયા બાદ રૂ.5,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા હપ્તા રૂ.80,000 માટે રૂ.10,000 તથા ત્રીજા હપ્તા રૂ.1.50 લાખના હપ્તા માટે પણ રૂ.10,000ની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

લાંચની રકમ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ મહીસાગર ACBનો સંપર્ક કરતાં ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. તા.10 ઓગસ્ટ, 2026ના રોજ ઝાલોદની મુવાડા ચોકડી ખાતે પોલીસ ચોકીની બાજુમાં આવેલા પાન-મસાલાના ગલ્લા ઉપર ટ્રેપ દરમિયાન રૂ.10,000ની લાંચ સ્વીકારતા બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા. ACBએ લાંચની સંપૂર્ણ રૂ.10,000ની રકમ રિકવર કરી હતી.

ઝડપાયેલા આરોપીઓમાં જયેશકુમાર જયંતીલાલ પટેલ (ઉ.વ. 35), ઓફોર્ડેબલ હાઉસિંગ મિશન એન્જિનિયર (AHM), ઝાલોદ નગરપાલિકા, 11 માસ કરાર આધારિત તથા મનુભાઈ ચંદુભાઈ વસૈયા (ઉ.વ. 49), વેપાર, મુવાડા, ઝાલોદનો સમાવેશ થાય છે.

આ સમગ્ર ટ્રેપ મહીસાગર ACB પોલીસ સ્ટેશન, લુણાવાડાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એમ. તેજોતના નેતૃત્વમાં કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન શ્રી બી.એમ. પટેલ, મદદનીશ નિયામક, ACB પંચમહાલ એકમ ગોધરા દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ અધિકારી તરીકે શ્રી બળદેવ દેસાઈ IPS, નાયબ નિયામક ACB વડોદરા રહ્યા હતા.