ઝાલોદ કૉલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી

ઝાલોદ વિદ્યા સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ ખાતે આજરોજ સોમવારે “વિશ્વ આદિવાસી દિવસ” નિમિત્તે “આદિવાસી ઉત્સવ સમારોહ”નું ભવ્ય અને ઉમળકાભેર આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિ, સભ્યતા અને પરંપરાના ગૌરવવંતા પ્રતીક સમાન આ ઉત્સવમાં કૉલેજ પરિવારમાં વિશેષ ઉમંગ જોવા મળ્યો હતો.

કાર્યક્રમના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના જતન તેમજ સંવર્ધન અર્થે કૉલેજ કક્ષાએ ‘લોકનૃત્ય પ્રતિયોગિતા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૉલેજની વિવિધ ટીમોમાંથી કુલ ૮ જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની ઉત્કૃષ્ટ કલાપ્રતિભા રજૂ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે કૉલેજના પ્રાધ્યાપકો દ્વારા આચાર્યશ્રી ડૉ. એ. આર. મોદીનો આદિવાસી ઝૂંલડી અને પારંપરિક સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીએ “જય જોહર, જય આદિવાસી” ના નાદ સાથે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે શ્રી ગોવિંદ ગુરુ, ભગવાન બિરસા મુંડા અને તાત્યા ભીલ જેવા મહાન આદિવાસી વીરોના ત્યાગ અને બલિદાનની ગાથાઓને યાદ કરી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની વિશેષતાઓ પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.

આ સ્પર્ધાને સફળ બનાવવા માટે પ્રા. સવિતાબેન ચૌધરી, અનિલભાઈ ડામોર અને શૈલેષભાઈ સંગડાએ નિર્ણાયક તરીકેની નિષ્પક્ષ ભૂમિકા અદા કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન અનીતાબેન પાદરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કૉલેજનો સમગ્ર પરિવાર તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.