મહિસાગર જિલ્લાના વિરપુરના મુકેશ્વર મહાદેવ ચોકડીથી સરાડિયાને જોડતા માર્ગ પર નવીનીકરણના કામમાં કોન્ટ્રાકટર તમામ નિયમોને ધોળીનેપી જતાં પ્રજામાં રોષ ફેલાયો છે. મંથર ગતિએ ચાલી રહેલ કામને લઈ પ્રજા પરેશાન બની છે. તેમાંય જયાં ખોદકામ કર્યુ છે તે જગ્યા પર કોઈ ભય સુચક સિગ્નલ બોર્ડ ન મુકતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય ઉભો થયો છે.
મહિસાગર જિલ્લાના વિરપુર સ્થિત મુકેશ્વરર મહાદેવ ચોકડીથી સરાડિયાને જોડતા મુખ્ય માર્ગની 1.20કરોડના ખર્ચે છમાસથી નવીન રસ્તાની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. જેના કારણે રોજિંદા અવર જવર કરતા વાહનચાલકોને મુશ્કેલીનો વારો આવ્યો છે. આ માર્ગ વિરપુરને સરાડિયા તથા આસપાસના ગામો સાથે જોડતો મુખ્ય માર્ગ હોવાથી મુસાફરો, વેપારીઓ અને ખેડુતો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી છે. આ માર્ગનુ કામ પુર્ણ ન થતાં હજારો વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. રસ્તાના ખોદકામવાળી જગ્યાઓ પર કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ પ્રકારના સુરક્ષા ચિહ્નો, આડસ(સેફટી બેરિયર)કે ડિવાઈડર મુકવામાં આવ્યા નથી. જેનાથી અકસ્માતનો ભય વધી ગયો છે. આ ઉપરાંત આરસીસી રસ્તાની બાજુમાં માટીનુ પુરાણ પણ કરાયુ નથી. આ કામગીરીની મંથર ગતિ અને સુરક્ષાના અભાવના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.