
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વરિષ્ઠ સલાહકાર યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે યુક્રેનમાં લગભગ ચાર વર્ષના યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેની વાટાઘાટો ફળદાયી રહી છે, પરંતુ ઘણું કામ બાકી છે. પુતિને ક્રેમલિનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત, સ્ટીવ વિટકોફ અને તેમના જમાઈ, જેરેડ કુશનર સાથે મુલાકાત કરી.
ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા શાંતિ કરાર સુધી પહોંચવાના નવેસરથી પ્રયાસોના ભાગ રૂપે મંગળવારે મોડી રાત્રે અમેરિકા અને રશિયા વચ્ચે વાતચીત શરૂ થઈ. બંને પક્ષો વાટાઘાટોના મુખ્ય મુદ્દાઓ જાહેર ન કરવા સંમત થયા છે. ઉષાકોવે પાંચ કલાકની વાતચીતને ખૂબ જ ઉપયોગી, રચનાત્મક અને નક્કર ગણાવી અને કહ્યું કે શાંતિ પ્રસ્તાવના માળખા પર ચર્ચા થઈ છે.
યુરી ઉષાકોવે એમ પણ કહ્યું કે અત્યાર સુધી, પ્રદેશોના મુદ્દા પર કોઈ કરાર થયો નથી. તેમણે ઉમેર્યું, અમેરિકાના કેટલાક પ્રસ્તાવો કંઈક અંશે સ્વીકાર્ય લાગે છે, પરંતુ તેમના પર ચર્ચા કરવાની જરૂર છે. અમને સૂચવેલા કેટલાક શબ્દો અમને અનુકૂળ નથી. તેથી, કામ ચાલુ રહેશે. મતભેદના અન્ય મુદ્દાઓ પણ હતા, જોકે ઉષાકોવે વધુ વિગતો આપી ન હતી.
એ નોંધવું જોઈએ કે ગયા મહિને જાહેર કરાયેલ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજના મોસ્કોના પક્ષમાં હોવાનું કહેવાય છે. આ પ્રસ્તાવને કિવ દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં ડોનબાસના સમગ્ર પૂર્વીય યુક્રેનિયન ક્ષેત્રને રશિયાને સોંપવા અને નાટોમાં જોડાવા જેવી શરતોનો સમાવેશ થતો હતો. હાલમાં, શાંતિ વાટાઘાટો માટેનું માળખું બદલાઈ ગયું છે, જેને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ શ્રેષ્ઠ ગણાવ્યું છે.
વિટકોવ રશિયાની મુલાકાતે છે ત્યારે, યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી આયર્લેન્ડમાં છે. ઝેલેન્સકી એવા યુરોપિયન દેશોનો પ્રવાસ કરી રહ્યા છે જેમણે રશિયન આક્રમણ સામેની લડાઈમાં તેમના દેશને મદદ કરી છે. દરમિયાન, ઝેલેન્સકીએ કહ્યું છે કે ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આપણને પરિણામોની જરૂર છે. આપણા લોકો દરરોજ મરી રહ્યા છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મળવા માટે તૈયાર છું.