
મધ્યપ્રદેશ હાઈકોર્ટે ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં ભૂતપૂર્વ ન્યાયાધીશ ગિરિબાલા સિંહને આપવામાં આવેલા આગોતરા જામીન રદ કર્યા છે. બુધવારે જબલપુરમાં કેસની સુનાવણી કરતા વેકેશન જજ દેવનારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે કેસના તથ્યો અને લગાવવામાં આવેલા આરોપોને ધ્યાનમાં લેતા, ૧૫ મે, ૨૦૨૬ ના રોજ ભોપાલ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આગોતરા જામીન રદ કરવામાં આવે છે. કોર્ટે દહેજ ઉત્પીડન અને અન્ય ગંભીર આરોપોના કેસમાં ગિરિબાલા સિંહના જામીન રદ કરવાની માંગ કરતી અરજીઓ સ્વીકારી.
ત્વિષા શર્માના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ અનુરાગ શ્રીવાસ્તવે ચુકાદાનું સ્વાગત કરતા કહ્યું કે આખરે ત્વિષા કેસમાં ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું કે ગિરિબાલા સિંહે ૩૬ વર્ષથી ન્યાયિક સેવામાં સેવા આપી છે, અને તેથી, કાયદાના આદરને કારણે, તેમણે સીબીઆઇ સમક્ષ આત્મસમર્પણ કરવું જાઈએ અને તપાસમાં સહયોગ કરવો જાઈએ.
અગાઉ, ભોપાલની એક કોર્ટે ત્વિષા શર્માના પતિ સમર્થ સિંહને કસ્ટડીમાં મોકલ્યા હતા. ત્યારબાદ, ટીમ સમર્થ સિંહ સાથે ગિરિબાલા સિંહના કટારા હિલ્સ સ્થિત ઘરે ગઈ અને કેસની વધુ તપાસ કરી.
સોમવારે,સીબીઆઇએ ભૂતપૂર્વ મોડેલ અને અભિનેત્રી ત્વિષા શર્માના મૃત્યુની તપાસ સંભાળી હતી. ત્વિષા ૧૨ મેના રોજ ભોપાલમાં તેના સાસરિયાના ઘરે લટકતી હાલતમાં મળી આવી હતી. સીબીઆઇએ મધ્યપ્રદેશ પોલીસ એફઆઇઆર ફરીથી નોંધી છે અને તેના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરિબાલા સિંહનું નામ આરોપી તરીકે આપ્યું છે.