સુરત શહેરમાં સાયબર ફ્રોડના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો

સુરત શહેરમાં સાયબર ફ્રોડના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ચોકબજાર પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં વોન્ટેડ અને ઈનામી આરોપી શૈવિન પુંભડિયાને ઝડપી લીધો છે. આરોપી દ્વારા વિવિધ બેંક એકાઉન્ટો ભાડે આપીને કરોડો રૂપિયાની ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી શૈવિન પુંભડિયાએ સાયબર ફ્રોડ માટે પોતાના તથા અન્ય લોકોના બેંક એકાઉન્ટો ભાડે આપ્યા હતા. આ એકાઉન્ટોમાં અંદાજે રૂ. ૩.૮૦ કરોડથી વધુની રકમ જમા થઈ હતી. આ નાણાં મયપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તેલંગણા સહિતના રાજ્યોમાંથી ટ્રાન્સફર થયા હતા, જેનાથી આ સાયબર ફ્રોડ નું નેટવર્ક રાષ્ટ્રીય સ્તરે ફેલાયેલું હોવાનું સ્પષ્ટ થાય છે.

ઉલ્લેખનીય છે કે આરોપી એક વર્ષ અગાઉ પણ સાયબર ગુનામાં ઝડપાયો હતો. ઉપરાંત, નવી દિલ્હી સાયબર સેલના એક ગુનામાં પણ તેની ધરપકડ થઈ ચૂકી છે. છતાં ફરીથી સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાઈ તેણે મોટી રકમની હેરાફેરી કરી હોવાનું બહાર આવ્યું છે.

હાલ ચોકબજાર પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે. સાથે જ આરોપીને મયપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે ત્યાં પણ તેના વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી છે. આ કેસ સાયબર ગુનાઓ સામે પોલીસની સતત કાર્યવાહીનું મહત્વપૂર્ણ ઉદાહરણ ગણાઈ રહ્યો છે.