સુરત: સ્પીડની લત અને નિયમોની અવગણનાએ બે રત્નકલાકાર મિત્રોનો ભોગ લીધો

સુરતના પુણાગામ વિસ્તારમાં આજે સવારે રફતારની પાંખે સવાર બે આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. પ્રતિબંધિત બીઆરટીએસ કોરિડોરમાં પૂરપાટ ઝડપે દોડતી સ્પોર્ટ્સ બાઈક કાબૂ બહાર જઈ ઝાડ સાથે અથડાતા ગંભીર ઈજાઓ થવાને કારણે બંને મિત્રોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. મૃતક બંને યુવાનો પરિવારના એકના એક દીકરા હોવાથી બંને પરિવારો પર આભ ફાટી પડ્યું છે.

મળતી માહિતી મુજબ, પુણાની નેતલદે સોસાયટીમાં રહેતો ૧૮ વર્ષીય દિવ્યેશ પ્રવીણભાઈ કોટડીયા અને વરાછાની લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતો ૨૩ વર્ષીય રોનક અશોકભાઈ સોલંકી બંને હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. નોકરી પૂરી કર્યા બાદ દિવ્યેશ, રોનક અને અન્ય બે મિત્રો વછરાજ ચાની દુકાને ચા પીવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે દિવ્યેશે તેના મિત્ર અમિત ગામીતની સ્પોર્ટ્સ બાઈક ચલાવવા લીધી હતી અને રોનક પાછળ બેઠો હતો.

કેનાલ રોડ પર રંગ અવધૂત ચાર રસ્તાથી રેશ્મા ચાર રસ્તા વચ્ચે આવેલા બીઆરટીએસ ટ્રેકમાં આ યુવાનોએ બાઈક હંકારી હતી. ઓવરસ્પીડ અને વગર હેલ્મેટે જઈ રહેલા આ યુવાનોની બાઈક અચાનક કાબૂ બહાર જઈને ટ્રેકની બાજુમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. પાછળ બીજી બાઈક પર આવી રહેલા અન્ય મિત્રો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

મૃતક દિવ્યેશ અને રોનક બંને મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની હતા અને સુરતમાં હીરા ઉદ્યોગમાં કામ કરી પોતાના પરિવારને આથક રીતે મદદરૂપ થતા હતા. કરુણતા એ છે કે, બંને યુવાનો પોતાના માતા-પિતાના એકના એક દીકરા હતા. વ્હાલસોયા દીકરાઓના અચાનક જવાથી પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતા જ પુણા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પી.આઈ. વી.એમ. દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું જણાય છે, હાલ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, હેલ્મેટ પહેરો અને નિર્ધારિત ગતિ મર્યાદામાં જ વાહન ચલાવો.

તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં યુવાધન બીઆરટીએસ રૂટમાં વાહનો ચલાવે છે. આ કિસ્સામાં પણ જો યુવાનોએ હેલ્મેટ પહેર્યું હોત અને સ્પોર્ટ્સ બાઈકની સ્પીડ પર કાબૂ રાખ્યો હોત, તો આજે બે પરિવારોના દીકરાઓ સુરક્ષિત હોત.