ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને રાજકીય પક્ષોના નેતાઓ વોટ માંગવા જનતાના શરણે પહોંચી રહ્યા છે. પરંતુ સુરતમાં ભાજપના નેતાઓ માટે જનતાનો સામનો કરવો ભારે પડી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડંગ કમિટીના પૂર્વ ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રાજન પટેલ જ્યારે અન્ય કાર્યકર્તાઓ સાથે પોતાના જ વિસ્તારમાં પ્રચાર માટે નીકળ્યા, ત્યારે તેમને જનતાના ભયંકર રોષનો સામનો કરવો પડ્યો હતો. ૨૦ વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત લોકોએ નેતાઓ પર બરાબરનો આક્રોશ ઠાલવ્યો હતો.
સુરતના વોર્ડ નં. ૯ (રાંદેર ગામ, ઝંડા ચોક વિસ્તાર) માં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરવા નીકળેલા રાજન પટેલ અને તેમની ટીમને સ્થાનિક રહીશોએ રસ્તામાં જ આંતરી લીધા હતા. લોકોનો ગુસ્સો સાતમા આસમાને હતો. સ્થાનિકોએ નેતાઓને ઘેરીને સીધો જ સવાલ કર્યો હતો કે, “છેલ્લા આટલા વર્ષોમાં તમે ક્યારેય અહીં દેખાયા છો? આજે મતોની ભીખ માંગવાની જરૂર પડી ત્યારે જ કેમ અહીં આવ્યા છો?” લોકોએ નેતાઓના મોઢા પર જ કહી દીધું હતું કે વિસ્તારના રસ્તાઓના કામ વર્ષોથી ખોરંભે ચડેલા છે, પરંતુ કોઈને જનતાની પડી નથી.
વિરોધનું સૌથી ચોંકાવનારું સ્વરૂપ ત્યારે જાવા મળ્યું જ્યારે સ્થાનિક રહીશો હાથમાં એક ડોલ ભરીને ગંદુ અને દુર્ગંધ મારતું કાળું પાણી લઈને રાજન પટેલની સામે આવી ગયા હતા. લોકોએ આ ડોલ બતાવીને રોષભેર પૂછ્યું હતું કે, “શું આ પાણી પીવાલાયક છે? તમે કાગળ પર કરોડોના બજેટની મોટી મોટી વાતો કરો છો, પણ અમને પીવાનું શુદ્ધ પાણી પણ આપી શકતા નથી!” આ કાળું પાણી જાઈને વિકાસના દાવા કરતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભારે ક્ષોભજનક માં મુકાઈ ગયા હતા અને તેમની પાસે જનતાના સવાલોનો કોઈ જવાબ નહોતો.
આ વિરોધ પ્રદર્શનમાં યુવાનોની સાથે સાથે વિસ્તારની મહિલાઓ અને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં જાડાયા હતા. ઘર ચલાવતી મહિલાઓએ પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું કે નળમાં આવતા આવા ગંદા પાણીના કારણે ઘરમાં બીમારીઓ ફેલાઈ રહી છે અને રસ્તાઓની હાલત એવી છે કે ચાલવું પણ મુશ્કેલ છે. આક્રોશમાં આવેલી મહિલાઓએ નેતાઓને સીધી ચીમકી આપતા કહ્યું હતું કે, “શરમ આવે છે? હવે આ વિસ્તારને તમે ભૂલી જજા, અહીંથી તમને કોઈ વોટ મળવાનો નથી.”
જ્યારે લોકો નેતાઓનો ઉધડો લઈ રહ્યા હતા, ત્યારે કેટલાક ભાજપના કાર્યકર્તાઓએ બચાવ કરતા કહ્યું કે તમે આ મામલે સત્તાવાર ફરિયાદ કેમ નથી કરતા? આ સાંભળીને લોકો વધુ ઉશ્કેરાયા હતા અને કહ્યું હતું કે અમે અનેકવાર ફરિયાદો કરી છે, છતાં કોઈ દરકાર લેતું નથી. આ ગરમાગરમી વચ્ચે જ્યારે એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું, ત્યારે ભાજપના કાર્યકર્તાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના પર સ્થાનિકોએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, “અમે કેમ વીડિયો ન ઉતારીએ? તમારી પોલ ખુલ્લી પડી રહી છે એટલે તમે ડરો છો?”