સુરતના લિંબાયતના મકાનમાં લાગેલી આગમાં ૫ લોકોના મોત, ચાર મહિલા સહિત એક બાળક પણ જીવતા ભુંજાયા

સુરતના લિંબાયતની મીઠી ખાડી નજીક એક મકાનમાં આગ લાગી હતી. મકાનમાં લાગેલી આગમાં ૫ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સની ટીમે કાર્યવાહી કરી છે. જાકે, મકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લિંબાયતના મીઠી ખાડીમાં આવેલ બેઠી કોલોનીમાં આ ઘટના બની હતી. ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં આગ બાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ મકાનમાં આઠ ટનથી વધુ સાડીનો જથ્થો અને કેમિકલ ફોમનો જથ્થો સંગ્રહ કરાયો હતો. સાથે જ ઇલેક્ટ્રિક વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ બાદ આગ ફાટી નીકળી હતી. સાડી અને ફોમમાં અચાનક આગ લાગતા વિકરાળ બની હતી. આગને કારણે ઘરમાં રહેલા લોકો બહાર નીકળી શક્યા ન હતા. ચાર મહિલા સહિત એક બાળક બહાર ન નીકળી શક્યા ન હતા. આ કારણે સ્ફોકેશન થતાં પાંચેયના મોત નિપજ્યા છે.

ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કરી સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર મળે તે પહેલા તમામ લોકો મોતને ભેટ્યા હતા. આગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી હતી. સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી. જાકે, ફાયર વિભાગ પહોંચે તે પહેલા લોકોએ પાણીની વ્યવસ્થા કરીને મકાન પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલા અને બાળકને બહાર કાઢવામાં નિષ્ફળત મળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બચાવકાર્યમાં લાગેલા લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે.

ફાયર વિભાગે નાછૂટકે ઘટના સ્થળથી બાજુમાં ખસી જવા માઇક એનાઉન્સમેન્ટ કરવાની ફરજ પડી હતી. ફાયર વિભાગે એનાઉસમેન્ટ કરી ચેતવણી આપી હતી કે, જા કોઈ આ રીતે ઘરમાં જથ્થો સંગ્રહ કરી રાખશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. આ રીતે મોટા પ્રમાણમાં સાડીનો જથ્થો સંગ્રહ ન કરવા પૂર્વ મેયર અને ડીસીપીએ સુરતવાસીઓને અપીલ કરી.