સુરત-મુંબઈમાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશનઃ અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમ પર દરોડા

સુરત અને મુંબઈના ઉદ્યોગજગતમાં ઇન્કમટેક્સ વિભાગની મેગા કાર્યવાહીને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. ઇન્કમટેક્સ વિભાગની વિંગ દ્વારા અકાય ઈન્ડસ્ટ્રીઝ અને શ્રી અરિહંત ડાયકેમ કંપનીને નિશાન બનાવી આજે વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મુંબઈ અને સુરતની ઈન્વેસ્ટગેશન વિંગની સંયુક્ત ટીમે એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.મળતી વિગતો અનુસાર, આ મેગા ઓપરેશનમાં ૮૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ જાડાઈ છે. અધિકારીઓએ શ્રી અરિહંત ડાયકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહના નિવાસસ્થાને પણ સર્ચ હાથ ધર્યું છે. આ ઉપરાંત મુંબઈ સ્થિત કંપનીની કોર્પોરેટ ઓફિસ સહિત બંને કંપનીઓ સાથે સંકળાયેલાં વિવિધ ધંધાકીય સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.

ઇન્કમટેક્સ વિભાગની ટીમ દ્વારા બંને કંપનીઓના નાણાકીય વ્યવહારો, હિસાબી ચોપડાઓ, મહત્વના દસ્તાવેજા અને અન્ય રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. કરચોરી અથવા બેનામી નાણાકીય વ્યવહારોની આશંકાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે.

વહેલી સવારે શરૂ થયેલું આ સર્ચ ઓપરેશન સવારે ૯ઃ૩૦ વાગ્યા સુધી પણ અનેક સ્થળોએ યથાવત્ રહ્યું હતું. ૮૦થી વધુ અધિકારીઓની ટીમ અલગ-અલગ સ્થળોએ તપાસ કરી રહી હોવાથી સમગ્ર કાર્યવાહી અત્યંત વ્યાપક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સુરત અને મુંબઈમાં એકસાથે હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે ઉદ્યોગજગતમાં ચર્ચાઓ તેજ બની છે. જાકે, દરોડા દરમિયાન શું મળી આવ્યું છે, કેટલાં નાણાકીય વ્યવહારો શંકાસ્પદ જણાયા છે અને તપાસમાં કરચોરી કે બેનામી સંપત્તિ અંગે કોઈ નક્કર પુરાવા મળ્યા છે કે કેમ તે અંગે ઇન્કમટેક્સ વિભાગ તરફથી સત્તાવાર વિગતો સામે આવી નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઓપરેશનની વાસ્તવિક હકીકતો બહાર આવે તેવી શક્યતા છે.