સુરતમાં ઘી-માખણમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી, ૪૫ નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર

દિવસે દિવસે સુરતમાં ભેળસેળિયાઓની સંખ્યા વધી રહી છે ત્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે.માહિતી અનુસાર ડેપ્યુટી કમિશનર અને ડેઝિગ્નેટેડ ઓફિસરની સૂચના પર કાર્યવાહી કરીને શહેરના વિવિધ ભાગોમાં ખાદ્ય અને પીણા ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.

આ કામગીરી દરમિયાન ફૂડ સેટી અધિકારીઓએ ગયા મહિને માખણ અને ઘીના કુલ ૪૫ નમૂના એકત્રિત કર્યા હતા.આ નમૂનાઓ યોગ્ય વિશ્લેષણ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.જેને “સબ-સ્ટાન્ડર્ડ” જાહેર કરવામાં આવ્યા હતા.

પરીક્ષણમાં નિષ્ફળ ગયેલા નમૂનાઓમાં ઉધના વિસ્તારમાં ‘ગુજરાત ડેરી’ અને ‘ધનરાજ ડેરી’ના ઘીના નમૂનાઓનો સમાવેશ થાય છે. વધુમાં, વરાછા રોડ પર ‘જનતા ડેરી ફાર્મ એન્ડ જનરલ સ્ટોર’ અને પુણાગામમાં ‘અમૃતધારા ડેરી એન્ડ સ્વીટ્સ’ના માખણના નમૂનાઓ પણ ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા હતા. નાના વરાછામાં આવેલી ‘ ‘જલારામ ડેરી’માંથી લેવામાં આવેલા ઘીના નમૂનામાં પણ ગુણવત્તા ઓછી હોવાનું જણાયું હતું.

એસએમસીના ફૂડ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, જે દુકાનોના નમૂના પરીક્ષણમાં નિષ્ફળ ગયા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. આ તમામ વેપારીઓ અને એકમો સામે ફૂડ સેટી એક્ટ, ૨૦૦૬ ની વિવિધ જોગવાઈઓ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

એસએમસીએ સ્પષ્ટતા કરી છે કે શહેરના રહેવાસીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક મળે તે સુનિશ્ર્ચિત કરવા માટે આવા નિરીક્ષણો ચાલુ રહેશે.તહેવારો દરમિયાન હોય કે નિયમિત દિવસોમાં, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં મહાનગરપાલિકા કોઈ સમાધાન કરશે નહીં અને આ ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે.