દાહોદ જિલ્લાના નવરચિત સીંગવડ તાલુકામાં સ્વતંત્ર એમજીવીસીએલ બસ ડિવીઝન કચેરીના અભાવે હજારો વીજ ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકા મથકે કચેરી ન હોવાના કારણે નાની-મોટી વહીવટી કામગીરી અને વીજ સમસ્યાઓ માટે લોકોને અન્ય તાલુકાઓ સુધી લાંબા ધકકા ખાવાની નોબત આવી છે. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને સીંગવડ ખાતે તાત્કાલિક નવી બસ ડીવીઝન કચેરી શ કરવાની માંગ વધુ પ્રબળ બની છે.
સીંગવડ તાલુકાના આશરે ૧૨૦ ગામોના ૫૦ હજારથી વધુ ધરેલુ, ૫હજારથી વધુ કૃષિ તેમજ મોટા પ્રમાણમાં કોમર્શિયલ વીજ ગ્રાહકો આવેલા છે. આટલી મોટી સંખ્યા હોવા છતાં અલગ કચેરી ન હોવાથી નવા વીજ જોડમાણ, વીજ બિલ ભરવા કે સુધારણા, ટ્રાન્સ્ફોર્મર બદલાવવા તેમજ વીજ ફોલ્ટની ફરિયાદો માટે ગ્રાહકોને લીમખેડા, લીમડી, સંતરોડ અને મોરવા(હ)સુધી લાંબા થવુ પડે છે. અન્ય સેન્ટરો પર નિર્ભર રહેવુ પડતુ હોવાથી અને લાંબા અંતરના કારણે ચોમાસા કે ઉનાળા દરમિયાન થતાં વીજ ફોલ્ટનુ ઝડપી નિવારણ થઈ શકતુ નથી. વહીવટી વિલંબને કારણે ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારના ખેડુતો અને સામાન્ય નાગરિકોને સમય અને નાણાં બંને વેડફાઈ રહ્યા છે.