જાંબુઘોડાથી કણજીપાણી તરફ જતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર મોટા અને ઉંડા મસમોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો જીવના જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે.ઉલ્લેખનિય છે કે, આશરે ૯ મહિના અગાઉ સ્થાનિક ધારાસભ્યના હસ્તે આ માર્ગના નવીનીકરણનુ ખાતામુર્હુત કરવામાં આવ્યુ હતુ. છતાં આજદિન સુધી કોઈ કામગીરી ન થતાં અને વરસાદી પાણી ભરાતા રસ્તો વધુ જોખમી બન્યો છે. આ માર્ગ ઉઢવણ, કણજીપાણી અને ડુંગરવાટ જેવા ગામોને જોડે છે. બોડેલી તરફનો રસ્તો બંધ હોવાથી છોટાઉદેપુર, પાવીજેતપુર, વડોદરા અને મધ્યપ્રદેશ તરફથી આવતા ટ્રાફિકનુ ભારણ પણ આ જ રસ્તા પર વધી ગયુ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કે સુપરવાઈઝરોની દેખરેખના અભાવે કોન્ટ્રાકટરો ગુણવત્તા વિહોણુ કામ કરે છે જેના કારણે નાણાંનો વ્યય થાય છે.