બોડેલી ઉંચાકલમ ગામે કાર્યરત રેતીના વોશિંગ પ્લાન્ટમાંથી નીકળતી રેતી અને ગ્રેવલ નજીકના કોતરમાં ઠલવાતા રોષ

બોડેલી તાલુકાના ઉંચાકલમ ગામમાં કાર્યરત રેતીના વોશિંગ પ્લાન્ટને લઈ ખેડુતો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

ખેડુતોના આક્ષેપ મુજબ પ્લાન્ટમાંથી નીકળતી રેતી અને ગ્રેવલ નજીકની કોતરોમાં ઠાલવતા કુદરતી પાણીના નિકાલનો માર્ગ અવરોધાયો છે. જેના કારણે ચોમાસામાં વરસાદી પાણી સીધુ ખેતરોમાં ભરાઈ જતાં ખેતીને ભારે નુકસાન થઈ રહ્યુ છે. સમગ્ર મામલે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ઉંચા કલમ ગામે મધ્યપ્રદેશમાંથી સ્થળાંતર કરાયેલા અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા ફળવાયેલી જમીનમાં વર્ષોથી ખેતી કરી જીવનનિર્વાહ કરે છે. પરંતુ ગામની બાજુમાં શ‚ કરાયેલા રેતીના વોશિંગ પ્લાન્ટને કારણે હવે ખેતી અને જીવન નિર્વાહ પર ગંભીર અસર પડી રહી હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કર્યો છે. અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ વોશિંગ પ્લાન્ટમાંથી નીકળતી રેતી અને ગ્રેવલ નજીકની કોતરમાં ઠાલવતા કુદરતી ૫ાણીના વ્હેણનો માર્ગ બંધ થતાં ભારે વરસાદથી પાણી ખેતરોમાં ભરાઈ જતાં જમીનનુ ધોવાણ થાય છે. કેટલાક બનાવોમાં પશુઓ પણ કોતરમાં ફસાઈ જતાં નુકસાન વેઠવુ પડ્યુ હોવાનુ સ્થાનિકોએ જણાવ્યુ છે. સ્થાનિકોએ કોતરની તાત્કાલિક સફાઈ કરાવી કુદરતી પાણીના નિકાલનો માર્ગ પુન: શ‚ કરવાની તેમજ ખેડુતોને નુકસાન પહોંચતા રેતીના વોશિંગ પ્લાન્ટ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. અનેક વખત રજુઆતો કરવા છતાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરતા લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે.