અમેરિકાના શિકાગોમાંથી એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વતનીએ શિકાગોમાં ૫ વર્ષની પુત્રીને મળવવાના બહાને પોતાની પત્નીને બોલાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ આરોપી ભારત આવવાના ફિરાકમાં હતો અને એરપોર્ટ પર જ તેને દબોચી લેવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, ૩૧ વર્ષીય અંકુર પટેલ મહેસાણાના કડી તાલુકાનો વતની છે. થોડા વર્ષો પહેલા તેના એક મહિલા સાથે લગ્ન થયા હતા. જેમનાથી તેમને ૫ વર્ષની પુત્રી પણ છે. લગ્નના થોડા મહિના બાદ બંને વચ્ચે કંઈ અણબનાવ બનતા મહિલા મે મહિનામાં મહિલા અંકુરને છોડીને તેમની સાથે જ અગાઉ કામ કરતા એક યુવક જોડે સંબંધમાં રહેવા લાગી હતી.
પરિવારના દબાણ હેઠળ મહિલાએ જુલાઈમાં પટેલ સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો અને થોડા સમય માટે તેની સાથે વિસ્કોન્સીનમાં રહેવા પણ ગઈ હતી, પરંતુ થોડા જ સમયમાં તે ફરી અલગ રહેવા લાગી અને તેમની પુત્રી અંકુર પાસે જ રહી. ત્યારબાદ અંકુરે ફોન પર મહિલાને અને તેના નવા સાથીદારને મારી નાખવાની ધમકીઓ આપી હતી અને પુત્રી સાથે વાત કરવાની પણ મનાઈ કરી દીધી હતી.
લગભગ બે અઠવાડિયા પહેલાં અંકુર પટેલ શિકાગોમાં પોતાના સગાંઓ સાથે રહેવા ગયો હતો અને પોતાની અલગ રહેતી પત્નીને જાણ કર્યા વગર પુત્રીને પોતાના માતા-પિતા પાસે ભારતમાં મોકલી દીધી હતી. અંકુરને નોર્થ એવર્સ એવન્યૂના ૪૮૦૦ બ્લોકમાં આવેલા તેના એક મિત્રના એપાર્ટમેન્ટની ચાવી પણ આપવામાં આવી હતી, જ્યાં તે પોતાની કેટલીક વસ્તુઓ રાખતો હતો.
૭ ઓગસ્ટે જ્યારે અંકુરે મહિલાનો સંપર્ક કર્યો હતો, તે દરમિયાન મહિલા પોતાના નવા સાથીદાર સાથે લ્યુઇઝિયાનામાં રહેવા ગઈ હતી. ત્યારે અંકુરે પોતાની પત્નીને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો અને તે પ્રમાણે તેણે તેની પત્નીને પુત્રીને લેવા માટે શિકાગો આવવા કહ્યું હતું. જાકે, પુત્રીને ભારત મોકલી દીધી હોવાની જાણ ન હોવાથી મહિલા અને તેનો નવો સાથીદાર બાળકીને લેવા માટે કારમાં શિકાગો આવ્યા હતા.
બીજા દિવસે સાંજે લગભગ ૪ઃ૩૦ વાગ્યે અંકુર એવર્સ એપાર્ટમેન્ટ નજીક આવેલી એક દુકાનમાં ગયો હતો, જ્યાં સીસીટીવીમાં તે નાની ફોલ્ડીંગ છરી ખરીદતો જોવા મળ્યો હતો. એ જ છરીનો ઉપયોગ તેણે પોતાની પત્નીની હત્યા કરવા માટે કર્યો હતો. પેકારાના જણાવ્યા મુજબ, ખરીદી પૂર્ણ કરતા પહેલાં પટેલ છરીથી ઘા મારવા અને કાપવા જેવી હરકતો કરતો જાવા મળ્યો હતો. ત્યારબાદ તે એવર્સ એપાર્ટમેન્ટમાં ગયો અને મહિલાની રાહ જાવા લાગ્યો હતો.
સીસીટીવીમાં મહિલા ગાર્ડન યુનિટ તરફ આવતી જોવા મળી હતી અને પટેલ થોડા સમય માટે એપાર્ટમેન્ટમાંથી બહાર આવીને તેને અંદર લઈ જતો જોવા મળ્યો હતો. અંદર બંને વચ્ચે ફરી સાથે રહેવાની બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અંકુરે આ બોલાચાલીના કેટલાક ભાગો પોતાના ફોનમાં રેકોર્ડ પણ કર્યા હતા, જાકે તેમાં કોઈ શારીરિક હિંસા દેખાઈ નહોતી. ત્યારબાદ કોઈ સમયે અંકુરે છરી કાઢીને મહિલાની ગરદનમાં ઘા માર્યો હતો. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું હતું કે, મહિલાના શરીર પર બચાવ કરવાનો પ્રયાસ કરતી વખતે થયેલા અનેક ઘા હતા, જેમાં ડાબા હાથ પર ઊંડો ચીરો પણ સામેલ હતો. જે બાદ આરોપી અંકુરે લોહીથી ભરાઈ ગયેલી પોતાની પેન્ટ ઉતારીને મહિલાના મૃતદેહ પાસે એપાર્ટમેન્ટમાં જ મૂકી દીધી હતી. સીસીટીવીમાં તે સાંજે લગભગ ૭ઃ૦૫ વાગ્યે ત્યાંથી નીકળતો જોવા મળ્યો હતો.
આ દરમિયાન મહિલાનો નવો સાથીદાર બિલ્ડીંગની બહાર જ રાહ જોઈ રહ્યો હતો અને વારંવાર મહિલાને મેસેજ કરી રહ્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતાં સાંજે લગભગ ૭ઃ૩૦ વાગ્યે તેણે ૯૧૧ પર ફોન કરીને જણાવ્યું હતું કે, મહિલાનો સંપર્ક થતો નથી અને તેઓ શિકાગો શા માટે આવ્યા હતા તેની સમગ્ર માહિતી પણ પોલીસને આપી હતી.
શિકાગો પોલીસે મહિલા અને અંકુર બંનેનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેમાંથી કોઈનો સંપર્ક થઈ શક્યો નહોતો. મહિલાએ કયા એપાર્ટમેન્ટમાં પ્રવેશ કર્યો હતો તેની માહિતી તેના નવા સાથીદાર પાસે ન હોવાથી પોલીસ અંતે ત્યાંથી પરત ફરી ગઈ હતી. તે જ રાત્રે અંકુરના કેટલાક મિત્રો ચિંતિત થયા હતા, કારણ કે તેણે તેમની સાથે જમવા આવવાનું હતું પરંતુ તે આવ્યો નહોતો.