કડીમાં નકલી ઘી-અખાદ્ય તેલ કૌભાંડનો પર્દાફાશ, હરિઓમ પ્રોડક્ટ્‌સના સંચાલક સામે ગુનો

મહેસાણા જિલ્લાના કડી જીઆઇડીસી વિસ્તારમાં નકલી ઘી અને અખાદ્ય તેલ બનાવવાના કથિત કૌભાંડનો પર્દાફાશ થયો છે. કડી પોલીસ સ્ટેશનમાં ‘હરિઓમ પ્રોડક્ટ્‌સ’ના સંચાલક જનક નાથાલાલ ભાવસાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અગાઉ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રૂ.૩૧.૨૪ લાખથી વધુનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

કડી નજીક રાજરત્ન ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, અંબિકા બુડાસણ જીઆઇડીસી વિસ્તારમાં ‘હરિઓમ પ્રોડક્ટ્‌સ’ નામથી એક યુનિટ કાર્યરત હોવાનું સામે આવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે આશરે એક વર્ષ અગાઉ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ સામગ્રી અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો. સમગ્ર મુદ્દામાલની કિંમત રૂ.૩૧.૨૪ લાખથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે. તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, યુનિટના સંચાલકે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્‌સ એક્ટ, ૨૦૦૬’ હેઠળ વેજિટેબલ ઓઈલ અને પ્રોસેસિંગ યુનિટ માટે લાયસન્સ મેળવ્યું હતું.પોલીસના આક્ષેપ મુજબ, આ લાયસન્સની આડમાં નબળી ગુણવત્તાના તેલમાં પામોલિન ઓઈલ અને ફોરેન ફેટ જેવી સામગ્રી ભેળવીને કથિત રીતે ભેળસેળયુક્ત તેલ તથા નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું.આ તૈયાર જથ્થો મોટા પ્રમાણમાં સંગ્રહ કરીને બજારમાં વેચાણ માટે રાખવામાં આવ્યો હોવાનો પણ તપાસમાં આક્ષેપ છે.

આ મામલે કડી પોલીસે ‘હરિઓમ પ્રોડક્ટ્‌સ’ના સંચાલક જનક નાથાલાલ ભાવસાર, રહેવાસી ચાંદલોડિયા, અમદાવાદ, સામે ગુનો નોંધ્યો છે.આરોપી સામે છેતરપિંડી, વિશ્વાસઘાત તથા લોકોના આરોગ્યને જોખમમાં મૂકવા સહિતની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

પોલીસની અગાઉની કાર્યવાહીમાં રૂ.૩૧.૨૪ લાખથી વધુનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હવે ગુનો નોંધાયા બાદ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, તૈયાર માલ ક્્યાં અને કોને સપ્લાય કરવામાં આવતો હતો તથા યુનિટની કામગીરી અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. નકલી ઘી અને અખાદ્ય તેલનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. તેથી આ કેસમાં તપાસ દરમિયાન સામે આવતા પુરાવા અને સત્તાવાર કાર્યવાહી મહત્વની રહેશે.