શેખ હસીનાને ફાંસી આપવાની માંગણી સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા, બાંગ્લાદેશમાં તણાવ

બાંગ્લાદેશની રાજધાની ઢાકાની શેરીઓ ફરી એકવાર વિરોધીઓથી ભરાઈ ગઈ છે. રાજધાની ઉપરાંત, અન્ય ઘણા શહેરોમાં પણ મોટા પાયે પ્રદર્શનો થયા હતા. હજારો લોકો માંગ કરી રહ્યા છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને દેશમાં પાછા લાવવામાં આવે અને કોર્ટના ચુકાદા પછી ફાંસી આપવામાં આવે. હસીનાને ૨૦૨૪ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલા કથિત હત્યાકાંડ માટે ૧૭ નવેમ્બરના રોજ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝ્ઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે સજા ફટકારી હતી. જોકે, સુનાવણી દરમિયાન હસીના કોર્ટમાં હાજર નહોતા.

હસીનાને મૃત્યુદંડની સજા ફટકારવાના કોર્ટના નિર્ણય પછી બાંગ્લાદેશમાં તણાવ વધી રહ્યો છે. મુખ્ય વિપક્ષ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અને ઇસ્લામિક સંગઠન જમાત-એ-ઇસ્લામીએ સંયુક્ત રેલી યોજી હતી, જેમાં હસીનાના પ્રત્યાર્પણ અને ફાંસીની માંગણી કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ ઢાકા યુનિવસટી કેમ્પસથી શાહબાગ સ્ક્વેર સુધી કૂચ કરી હતી. વિદ્યાર્થી સંગઠનો, પીડિતોના પરિવારો અને રાજકીય પક્ષના કાર્યકરોએ હસીનાને ફાંસી આપો, ભારતથી તેને બહાર કાઢો, અને ન્યાય સુનિશ્ર્ચિત કરો જેવા નારા લગાવ્યા હતા. એક પ્રદર્શનકારી, ઢાકા યુનિવસટીના વિદ્યાર્થી આર. રફીએ કહ્યું, હસીનાએ આપણા ભાઈઓ અને બહેનોની હત્યાનો આદેશ આપ્યો હતો. ફાંસી એ ન્યાય છે.

રેલીમાં,બીએનપીના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે કહ્યું કે આ ચુકાદો સરમુખત્યારશાહીનો અંત દર્શાવે છે અને ભારતે ભાગેડુ ગુંડા ને સોંપવો જોઈએ. જમાત-એ-ઇસ્લામીના મહાસચિવ મિયા ગુલામ પરવરે તેને ૧૮ મિલિયન લોકોની આકાંક્ષા ગણાવી હતી પરંતુ અગાઉના કેસોની તુલનામાં તેની ન્યાયીતા પર ભાર મૂક્યો હતો. આ સજા જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૪ ના આંદોલનની પૃષ્ઠભૂમિ સામે આવી હતી, જ્યારે વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓમાં ૩૦% ક્વોટા પુન:સ્થાપિત કરવા સામે વિરોધ કર્યો હતો. હસીના સરકાર પર ગેરકાયદેસર બળનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેના પરિણામે, સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, ૧,૪૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૧૪,૦૦૦ લોકો ઘાયલ થયા હતા.

વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે ફેબ્રુઆરી ૨૦૨૬ માં ચૂંટણીઓ યોજવાનું વચન આપ્યું હતું, પરંતુ આવામી લીગ પર પ્રતિબંધ મૂકવાથી તણાવ વયો છે. હસીનાના સમર્થકો, આવામી લીગે ૧૩-૧૭ નવેમ્બર સુધી લોકડાઉનનું એલાન કર્યું હતું, જેના કારણે ઢાકામાં ટ્રાફિક વિક્ષેપ પડ્યો હતો અને બસો સળગાવી દેવામાં આવી હતી. રવિવારની રેલીમાં, જમાતે સાત અન્ય પક્ષો સાથે મળીને ચૂંટણી સુધારાની માંગ કરી હતી, પરંતુ અહમદિયા સમુદાયને કાફિર જાહેર કરવાનો વિવાદાસ્પદ પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો, જેમાં ડઝનેક લોકો ઘાયલ થયા હતા. મૌલિક બાંગ્લા સંગઠને શાહબાગમાં હસીનાને પ્રતીકાત્મક રીતે ફાંસી આપવાનું આયોજન કર્યું હતું. ભૂતપૂર્વ આઈજીપી ચૌધરી અબ્દુલ્લા અલ-મામુને હસીના વિરુદ્ધ જુબાની આપી હતી પરંતુ તેમને હળવી સજા મળી હતી.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે હસીના વિરુદ્ધના ટ્રાયલને અન્યાયી ગણાવ્યો છે, જ્યારે સંયુક્ત રાષ્ટ્રે ન્યાયની માંગણી કરી હતી પરંતુ તેમની ફાંસીનો વિરોધ કર્યો હતો. મૃત્યુદંડ મળ્યા પછી શેખ હસીનાએ તેને રાજકીય બદલો ગણાવ્યો હતો. નિષ્ણાતો માને છે કે આવામી લીગના બહિષ્કારને કારણે આ ચુકાદો ચૂંટણી પૂર્વેની અસ્થિરતામાં વધારો કરી શકે છે. પીડિતોના પરિવારોએ કહ્યું, ફાંસી વિના ન્યાય અધૂરો છે. બીએનપી અને જમાતે કરેલી રેલીઓએ એક્તા દર્શાવી, પરંતુ ઇસ્લામિક ઉગ્રવાદના આરોપોએ જટિલતામાં વધારો કર્યો.