સંતરામપુર-ઝાલોદ રોડ પર ચોમાસા દરમિયાન વાહનચાલકોની સુરક્ષા અર્થે ‘કોલ્ડ મિક્સ’ ટેકનોલોજીથી પેચવર્ક કામગીરી પૂર્ણ

સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ તથા નાયબ કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ ચોમાસામાં અકસ્માતો અટકાવવા ત્વરિત સમારકામ.

ચોમાસાની ઋતુ દરમિયાન વાહનચાલકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે અને ખાડાઓને કારણે થતા અકસ્માતોની ઘટનાઓને અટકાવી શકાય તેવા ઉમદા હેતુથી સંતરામપુર સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. સંતરામપુર થી ઝાલોદ મુખ્ય માર્ગ પર નાયબ કાર્યપાલક ઈજનેરના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટેટ વિભાગ અને સંબંધિત એજન્સી દ્વારા ‘કોલ્ડ મિક્સ’ (Cold Mix) પદ્ધતિનો ઉપયોગ કરીને તાત્કાલિક સમારકામ (પેચવર્ક) કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

વિશેષ‚પે હીરાપુર થી ગોઠીબ ગામ વચ્ચેના વિસ્તારમાં ડામર અને કોલ્ડ મિક્સ સામગ્રી વડે દરેક અંતરે પડેલા નાના-મોટા ખાડાઓનું પૂરણ કરીને રસ્તો વાહનચાલકો માટે સુગમ બનાવવામાં આવ્યો છે.

સામાન્ય રીતે ચોમાસામાં ગરમ ડામર (Hot Mix) થી થતું કામ પાણીના કારણે ટકી શકતું નથી, પરંતુ આધુનિક ‘કોલ્ડ મિક્સ’ ટેકનોલોજીના ઉપયોગથી ભેજવાળા વાતાવરણમાં પણ ખાડાઓનું મજબૂત પૂરાણ શક્ય બન્યું છે.

તંત્ર અને એજન્સી દ્વારા હાથ ધરાયેલી આ ઝડપી અને ગુણવત્તાયુક્ત કામગીરીથી સ્થાનિક રહીશો, વેપારીઓ તેમજ આ માર્ગ પરથી દૈનિક પસાર થતા હજારો વાહનચાલકોમાં રાહત અને સંતોષની લાગણી વ્યાપી છે. ચોમાસામાં પણ પ્રજાની સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપવા બદલ સંતરામપુર સ્ટેટ વિભાગની કામગીરીને સ્થાનિકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.