સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જીલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ માટે ‘હાઇટ હંટ’: 18 ડિસેમ્બરે પસંદગી પ્રક્રિયાનું આયોજન

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જીલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત રમતગમતના ક્ષેત્રે પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી માટે હાઇટ હંટ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના દ્વારા સ્પોર્ટ્સ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે, ખેલાડીઓ ચોક્કસ જન્મ તારીખ અને ઊંચાઈના માપદંડો પૂર્ણ કરતા હોવા જોઈએ.

આ હાઇટ હંટ પ્રક્રિયામાં તા. 01/01/2011 પછી જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે. બહેનો માટે ન્યૂનતમ ઊંચાઈ 163 સે.મી. કે તેથી વધુ હોવી જરૂરી છે, જ્યારે ભાઈઓ માટે ન્યૂનતમ ઊંચાઈ 173 સે.મી. કે તેથી વધુ હોવી અનિવાર્ય છે. રમતગમતમાં રસ ધરાવતા અને આ માપદંડોને પૂર્ણ કરતા મૂળ ગુજરાતના નિવાસી ખેલાડીઓને આ તકનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

પસંદગી પ્રક્રિયા તા. 18/12/2025 ના રોજ સવારે 10:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી આયોજીત કરવામાં આવી છે. કસોટીનું સ્થળ સરદાર પટેલ વિદ્યાલય, ચાર કોસીયા નાકા, મોડાસા રોડ, લુણાવાડા ખાતે રહેશે. રસ ધરાવતા ખેલાડીઓએ સ્થળ પર હાજર રહેતી વખતે તેમના જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે લાવવાના રહેશે.

યોજના વિશેની વધુ માહિતી માટે ખેલાડીઓ જીલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, ક્ધવીનર દેવાંગ શાહ (મો. 79909 94329) અને કંકુબેન ભરવાડ (મો. 99782 32848) નો પણ સંપર્ક કરી શકાય છે.