સંજેલી તાલુકાના પીછોડા બચકરીયા લીમડાથી માંડલી, જુસ્સા થઈ ગોધરા તરફ જોડતા મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ઢીંચણ સમા ખાડા પડી જતાં વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ચોમાસામાં ખાડાઓમાં પાણી ભરાઈ જતાં તેની ઉંડાઈ દેખાતી ન હોવાથી બાઈક સવારો અને ફોર વ્હિલર વાહનોને અકસ્માતનો ભય રહે છે. વાહનો પંકચર થવા સહિત નાના-મોટા અકસ્માતોની ધટનાઓ પણ બની રહી હોવાના ગ્રામજનોના આક્ષેપ છે. મહત્વનુ એ છે કે, આશરે બે વર્ષ અગાઉ બનાવવામાં આવેલા ૪ કિ.મી.ના માર્ગની હાલત આટલા ઓછા સમયમાં જ ખરાબ થઈ જતાં માર્ગની ગુણવત્તા અને મેન્ટેનન્સ સામે સવાલો ઉઠ્યા છે. શાળાએ જતાં વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા કામકાજ માટે અવર જવર કરતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. જિલ્લા પંચાયતના સભ્ય કાંતાબેન બામણીયાએ આર એન્ડ બી સ્ટેટ હાઈવેના ડે.એન્જિનીયર તથા સુપરવાઈઝરને વારંવાર ટેલિફોનીક રજુઆત કરી હોવા છતાં અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાનો આક્ષેપ કર્યો છે.