પુર્વ પટ્ટી વિસ્તારમાં દોડતી ટ્રેનો છેલ્લા 3/4 દિવસથી નિયમ સમય કરતા એકથી દોઢ કલાક મોડી પડતા મુસાફરોને હાલાકી પડી રહી છે. ટ્રેનો સતત વિલંબથી આવતા રોજબરોજ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને સામાન્ય પ્રવાસીઓ હેરાન થઈ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રતાપનગરથી છોટાઉદેપુર તરફ આવતી અને જતી કુલ 8 ટ્રેનો(ચાર આવતી અને ચાર જતી)છોટાઉદેપુર જિલ્લાની જનતા માટે જીવાદોરી સમાન છે. છેલ્લા ત્રણ દિવસથી આ ટ્રેનોમાં ગાર્ડના બે ડબ્બાના સ્થાને માત્ર એક જ ડબ્બો આવવાના કારણે દરેક ટ્રેન સરેરાશ દોઢ કલાક જેટલી મોડી પડી રહી છે. આ ટેક્નિકલ કે સંચાલકિય ક્ષતિને કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. વડોદરા શહેરથી છોટાઉદેપુર જિલ્લામાં દરરોજ મોટી સંખ્યામાં સરકારી અને ખાનગી નોકરિયાત વર્ગ અપડાઉન કરે છે. ટ્રેન મોડી પડવાના કારણે આ વર્ગને પોતાના કામના સ્થળે સમયસર પહોંચવામાં તકલીફ પડતા તેનો દૈનિક કાર્યક્રમ ખોરવાઈ ગયો છે. સ્થાનિક મુસાફરોએ રેલ્વે તંત્રને તાત્કાલિક આ સમસ્યાનુ નિરાકરણ લાવવા અને ટ્રેન વ્યવહાર સમયસર પુર્વવત કરવા માટે માંગ કરવામાં આવી છે.